- ખુદને ભગવાન વિષ્ણુનો 10મો અવતાર માને છે રમેશચંદ્ર ફેફર
- અગાઉ ઓફિસમાં હાજર ન રહેતા હોવાથી પાઠવેલી નોટિસમાં કહ્યું હતું
- બાકી પગાર અને ગ્રેજ્યુઈટી મામલે પત્ર લખી ફરી વખત વિવાદમાં આવ્યા
રાજકોટ: વર્ષ 2017માં પોતાને ભગવાન વિષ્ણુનો 10મો કલ્કી અવતાર ગણાવનારા રમેશચંદ્ર ફેફર ફરી વખત વિવાદમાં આવ્યા છે. રાજકોટ સ્થિત પોતાના નિવાસસ્થાને નિવૃત્ત જીવન ગાળી રહેલા રમેશચંદ્રએ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના સચિવને પત્ર લખીને તેમનો છેલ્લા એક વર્ષનો બાકી રહેતો રૂપિયા 16 લાખ પગાર અને રૂપિયા 16 લાખ ગ્રેજ્યુઈટી આપવાની માગ કરી છે. આ સાથે તેમણે કોરોનાકાળમાં કરેલા 'વર્ક ફ્રોમ હોમ' ના સમયનો પણ પગાર ચૂકવવાની માગ કરી છે.
મારી તપસ્યાના હિસાબે દેશમાં સારો વરસાદ થયો
રમેશ ચંદ્ર ફેફરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેઓ પોતે કલ્કી અવતાર છે. તેમજ તેમની તપસ્યાના કારણે ભારતમાં સતત 20 વર્ષથી સારો વરસાદ થયો છે. જ્યારે એક પણ વર્ષ માટે દેશમાં કોઈ જગ્યાએ દુષ્કાળ પડ્યો નથી. છેલ્લા 20 વર્ષથી સારા વરસાદના કારણે દેશને રૂપિયા 20 લાખ કરોડનો ફાયદો થયો છે. તેમ છતાં રાક્ષસો સરકારમાં બેસીને સતત અન્નાય કરી રહ્યા છે. જેને લઈને તેમણે આ વર્ષે પાણી અને બરફ વર્ષાથી ભયંકર દુષ્કાળ પાડવાની ચિમકી પણ ઉચ્ચારી છે.