રાજકોટઃ હાલ રાજ્યમાં અલગ-અલગ જિલ્લાઓમાં શાળાઓમાં પણ કોરોના પોઝિટિવ કેસ વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આ કોરોના વધુ પ્રમાણમાં ફેલાય નહીં તેના માટે હવે તંત્ર એલર્ટ થઈ ગયું છે. જ્યારે રાજકોટમાં પણ છેલ્લા ત્રણ દિવસમાં 5 જેટલા વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ (Rajkot school corona cases ) આવ્યો છે. ત્યારે રાજકોટમાં કોરોના સંક્રમણ (Corona in Rajkot) વધુ પ્રમાણમાં ફેલાય નહીં તે માટે તંત્ર દ્વારા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ ખાનગી શાળાઓમાં સ્કુલ વાહનમાં લઇ જવાતા બાળકો જે ઘેટાં-બકરાની જેમ ભરેલા હોય છે. આવા સ્કૂલ વાહન ચાલકો સામે રાજકોટ RTO ડ્રાઇવ યોજીને કાર્યવાહી કરી રહી છે.
8 જેટલા સ્કૂલ વાહનો જપ્ત
રાજકોટમાં ખાનગી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓને સ્કૂલ વાહનમાં ઠસોઠસ ભરીને લઈ જવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે આ મામલે રાજકોટ RTO દ્વારા ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં 8 જેટલા સ્કૂલ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં હવે વિવિધ ખાનગી શાળાઓમાં જતા સ્કૂલ વાહનો પર RTO દ્વારા નજર રાખવામાં આવશે અને કેપેસીટિ કરતા વધુ પ્રમાણમાં જો વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે તો આ સ્કૂલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે.