રાજકોટઃ કોરોનાના કારણે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉન બાદ હાલ અનલોક-3 અમલમાં મૂકવામાં આવ્યું છે. આમ છતાં પણ પરિસ્થિતિ પહેલા જેવી થઈ નથી. હજૂ પણ કેટલાય ધંધા-ઉદ્યોગ શરૂ થયાં નથી અને જે શરૂ થયા છે, તેમાં પણ જબરજસ્ત મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકડાઉન પહેલાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડનું રૂપિયા 30થી 40 કરોડનું દૈનિક ટર્ન ઓવર હતું. જે હાલ રૂપિયા 8થી 9 કરોડનું જોવા મળી રહ્યું છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડનું રૂપિયા 30 કરોડથી વધુનું દૈનિક ટર્ન ઓવર ખોરવાયું - રાજકોટ માર્કેટિંગ યાર્ડ
અનલોક-3માં પણ ઘણા ધંધા-રોજગાર શરૂ થયા નથી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડનું દૈનિક ટર્ન ઓવર પણ ખોરવાયું છે. લોકડાઉન પહેલાં 30થી 40 કરોડનું દૈનિક ટર્ન ઓવર ધરાવનારા રાજકોટ માર્કેટિંગ યાર્ડનું હાલનું ટર્ન ઓવર ગબડીને 8થી 9 કરોડે પહોંચ્યું છે.
હાલ ઓન ખેડૂતોને પોતાની જણસીનો યોગ્ય ભાવ મળતો નથી. જેના કારણે ખેડૂતો પોતાનું ઉત્પાદન યાર્ડમાં વહેંચવા માટે આવતા નથી. પરિણામે આવકની સાથે સાથે યાર્ડનું કામકાજ પણ ધીમું પડ્યું છે. લોકડાઉન પહેલાં ખેડૂતોને પ્રતિ-મણ કપાસની કિમંત રૂપિયા 1100થી લઈને 1150 સુધી મળતી હતી, પરંતુ હાલ રૂપિયા 750થી લઈને 900 જ મળી રહી છે. જેથી ખેડૂત પણ પોતાના ઉત્પાદનનો સંગ્રહ કરતા જોવા મળી રહ્યા છે.
ચાલુ વર્ષે સારો વરસાદ થયો હોવાથી મગફળી, કાળા તલ અને લસણના પાકમાં ખેડૂતોને સારો ભાવ મળવાથી વેચવાલી જોવા મળી રહી છે, જ્યારે કપાસ અને એરંડાના ભાવ તળિયે ગયા છે. જેથી ખેડૂતો કપાસનો સંગ્રહ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્ર અને રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી ખેડૂતો યાર્ડ ખાતે આવતા અચકાઈ રહ્યા હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.