રાજકોટ: કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ચાલુ વર્ષે મોટાભાગના રોજગાર ધંધાને જોરદાર ફટકો પડયો છે. ભારતમાં પણ કોરોના વાઈરસના વધતા કેસમાં અનલોક 3 જાહેર કરવામાં આવ્યું છે. હાલ શ્રાવણ મહિનાની સાથે જન્માષ્ટમીનો તહેવાર છે. પરંતુ કોરોનાના કેસને લઈને રાજ્ય સરકાર દ્વારા લોકમેળા યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લઈને આ વર્ષે સહેલાણીઓને મેળો માણવા નહીં મળવાનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે.
ચાલુ વર્ષે મેળો માણવા ન મળ્યાનું દુઃખ અનુભવતું નવયુગલ રાજકોટના એક એવા પરિવારની વાત જેમનું જીવન લોકમેળાના કારણે બદલાઇ ગયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં આજથી ત્રણ વર્ષે પહેલા કૃણાલ નાયક તેમના હાલના પત્નીને મળ્યા હતા. તિસા નામની યુવતીને લોકમેળામાં જોઈને કૃણાલે નક્કી કરી લીધું હતું કે, હવે તેઓ તિસા સાથે જ પોતાનો ઘરસંસાર માંડશે. જેને લઈને બન્ને યુવક યુવતી છેલ્લા બે વર્ષ સુધી એકબીજાને મળતા રહ્યા અને અંતે બન્નેએ લગ્ન કરવાનું વિચારી લીધું.
બન્નેને પ્રેમ થયો અને બન્નેના પરિવાર રાજી હોવાથી બન્નેના પરિવારે રાજીખુશીથી તેમના લગ્ન કરવી દીધા. લગ્નનું એક વર્ષ પૂર્ણ પણ થશે પરંતુ લગ્ન બાદ આ વર્ષે બન્નેનો પ્રથમ મેળો હતો. આ વર્ષે મેળો યોજાશે નહીં એ જાણીને બન્ને નવયુગલ થોડા દુઃખી પણ થયા હતા.
કોરોનાની મહામારીને લઈને નવદંપતિએ પ્રથમ વખત જન્માષ્ટમી પરિવાર સાથે જ ઉજવવાનું નક્કી કર્યું હતું. પોતાના પરિજનો સાથે જ આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી કરી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં ભરાય છે, અને 5 દિવસ સુધી ચાલનારા આ મેળામાં અંદાજીત 10થી 12 લાખ લોકો આવતા હોય છે.
ચાલુ વર્ષે લોકમેળો ન યોજવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સહેલાણીઓ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. જ્યારે આ વર્ષે કૃષ્ણજન્મોત્સવ પણ લોકોએ પોતાના ઘરમાં જ રહીને ઉજવ્યો હતો. તેમજ કેટલાક પરિવારે ઓનલાઈન કૃષ્ણ જન્મોત્સવની મજા માણી હતી.