- રાજકોટમાં બાળકીને જન્મ આપ્યાના ગણતરીના કલાકોમાં બંનેના મોત
- અધૂરા માસે જન્મેલી બાળકી અને માતાને સારવાર માટે ખાનગીમાંથી સરકારી હોસ્પિટલમાં લવાયા
- બંનેના મોત થતા પરિવાર અને સમાજના લોકો દ્વારા હોસ્પિટલ ખાતે હલ્લાબોલ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માતા-પુત્રીનું મોત થતાં મહિલાએ પોલીસ વાન પર ચઢીને વિરોધ દર્શાવ્યો - Rajkot civil hospital News
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અધૂરા મહિને બાળકીને જન્મ આપ્યા બાદ માતા-પુત્રીનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ આક્રોશમાં આવીને સિવિલ હોસ્પિટલના સ્ટાફ પર ઘોર બેદરકારીનાં આક્ષેપ કર્યા હતા. આ સાથે જ જ્યાં સુધી જવાબદાર લોકો સસ્પેન્ડ ન થાય ત્યાં સુધી માતા-પુત્રીના મૃતદેહ સ્વિકારવાનો પણ ઇનકાર કર્યો હતો.
![રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માતા-પુત્રીનું મોત થતાં મહિલાએ પોલીસ વાન પર ચઢીને વિરોધ દર્શાવ્યો ધૂરા મહિને બાળકીનો જન્મ થયા બાદ માતા-પુત્રીનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10949257-763-10949257-1615369295875.jpg)
રાજકોટ: અનિતાબેન સાવનભાઈ વાઘેલા નામની 21 વર્ષીય મહિલાએ ખાનગી હોસ્પિટલમાં અધૂરા મહિને બાળકીને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ તેમની અને માત્ર 700 ગ્રામ વજન ધરાવતી તેમની નવજાત પુત્રીની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માતા-પુત્રી બંનેનાં મોત નિપજતાં પરિવારજનોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી. પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલના સ્ટાફ સામે ઘોર બેદરકારીનો આક્ષેપ લગાવીને જ્યાં સુધી જવાબદાર કર્મચારીઓ સસ્પેન્ડ નહી થાય ત્યાં સુધી મૃતદેહો સ્વિકારવાનો ઇનકાર કર્યો હતો.
વાલ્મિકી સમાજના લોકો સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટ્યા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલાનું મૃત્યુ થતાં મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ભેગા થઈ ગયા હતા. જેના કારણે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે વાલ્મિકી સમાજ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફ વચ્ચે ભારે બોલાચાલી પણ થવા પામી હતી. જો કે, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. બીજી બાજુ સિવિલ હોસ્પિટલના અધિકારીઓ દ્વારા પરિવારજનોને મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની પણ છૂટ આપવામાં આવી છે.
મહિલાએ પોલીસની જીપ પર ચઢીને સૂત્રોચાર કર્યા
પરિવારજનોએ મહિલાના મૃતદેહને સ્વિકારવાનો ઇનકાર કરીને હોસ્પિટલ બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા. પોલીસે એક વ્યક્તિની અટકાયત કરતા એક મહિલા પોલીસની જીપ પર ચઢી ગઈ હતી અને સૂત્રોચાર પણ કર્યા હતા. પોલીસે અંતે અટકાયત કરેલા વ્યક્તિને જીપ માંથી બહાર કાઢવો પડ્યો હતો.