- રાજકોટમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 32 જેટલા હોદ્દેદારોની વરણી
- આમ આદમી પાર્ટી દ્વારા મોટા ભાગની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા
- 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ આમ આદમી પાર્ટી અત્યારથી જ સક્રિય
રાજકોટ:આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. ત્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ત્રીજો પક્ષ સક્રિય થયો છે. રાજ્યના તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા મોટા ભાગની બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા. ત્યારે હવે ફરી વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે પણ આમ આદમી પાર્ટી અત્યારથી જ સક્રિય થઇ છે. જેને લઈને આજે રાજકોટમાં પણ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 32 જેટલા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
શિવલાલ પટેલને શહેર પ્રમુખ બનાવાયા
આમ આદમી પાર્ટી દ્વારા આજે રાજકોટના 32 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ પટેલને રાજકોટ શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ બનાવ્યા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીએ ઉપપ્રમુખ, મહાપ્રધાન, સંગઠન પ્રધાન, સહિતના અલગ-અલગ વિભાગના પ્રમુખોની નિમણુક કરી છે. આ અગાઉ રાજકોટમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ પૂર્વ કોર્પોરેટર રાજભા ઝાલા હતા. જેમને હાલ આપ દ્વારા પ્રદેશમાં સ્થાન આપવામાં આવતા રાજકોટ શહેર પ્રમુખની જવાબદારી હવે શિવલાલ પટેલ પર આવી છે.