રાજકોટ: જીલ્લાના ધોરાજી પંથકમાં પવન સાથે વરસાદી છાંટા પડતા વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોડી રાત્રે ધીમીધારે વરસાદી ઝાપટું પડયું હતું. જેથી એરંડા, જીરું, ઘઉં જેવાં પાકોને નુકશાન થયું છે.
રાજકોટમાં કમોસમી વરસાદ, પાકને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા
ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ઠંડી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આજે વહેલી સવારે રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી હતી. ત્યારે રાજકોટ જીલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમુક શહેરોમાં દિવસ દરમિયાન પવન ફુંકાયો હતો અને મોડી રાત્રે ધોરાજી પંથકમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યાં હતાં. કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, જીરું જેવાં તૈયાર પાક પર પાણી ફરી વળ્યું હતું. ચોમાસા દરમ્યાન વાવાઝોડું અને અતિ વરસાદ પડતાં આખાં વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું અને હાલ શિયાળાની ૠતુ ચાલતી હોય અને એવામાં પણ કમોસમી વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોએ સરકાર પાસે શિયાળુ પાકનો સર્વે કરવામાં આવે તેવી માગ કરી હતી.