ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના માથાભારે ઈસમ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો - રાજકોટ પોલીસ

ગોંડલ વિસ્તારમાં ગુનાખોરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 12 જેટલા આરોપીઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રથમ વખત નવા બનાવમાં આવેલા કાયદા ગુજસીટોક મુજબ ગુનો નોંધ્યો છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના માથાભારે ઈસમ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના માથાભારે ઈસમ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો

By

Published : Nov 13, 2020, 4:12 AM IST

  • પોલીસે 12 આરોપી વિરુદ્ધ ગુજસીટોક મુજબ ગુનો નોંધ્યો
  • આ આરોપીએ વિરુદ્ધ 117 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે
  • મુખ્ય સૂત્રાધાર જેલમાંથી ગેંગ ઓપરેટ કરતો હતો

રાજકોટઃ ગોંડલ વિસ્તારમાં ગુનાખોરી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 12 જેટલા આરોપીઓ વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રથમ વખત નવા બનાવમાં આવેલા કાયદા ગુજસીટોક મુજબ ગુનો નોંધ્યો છે. આ ટોળકી વિરુદ્ધ વિવિધ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 117 જેટલા ગુનાઓ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. જેને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તમામ આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ ચકાસીને ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારના માથાભારે ઈસમ વિરુદ્ધ પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો

ટોળકી વિરુદ્ધ અત્યાર સુધીમાં 117 ગુનાઓ નોંધાયા

ગોંડલમાં રહેતો નિખિલ દોંગા નામનો ઈસમ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ સૂત્રધારે વર્ષ 2003થી ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી હતી, જ્યારે તેની સાથે પણ અલગ અલગ ઈસમો દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્યા હતા. હત્યા, હત્યાનો પ્રયાસ, ધાક-ધમકી, જમીન- મિલકત પચાવી પાડવી સહિતના ગુનાઓ આ ટોળકી દ્વારા આચરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અત્યાર સુધીમાં આ ટોળકીએ રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ પોતાનો આંતક ફેલાવ્યો હતો.

નિખિલ જેલમાંથી પણ ગેંગને ઓપરેટ કરતો હતો

રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર નિખિલ દોંગા ગોંડલ સબ જેલમાં હતો, ત્યારે જેલમાંથી પણ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને ગેંગને ઓપરેટ કરતો હતો. જેલ પ્રસાશન દ્વારા પણ આ ગેંગની જડતી દરમિયાન મોબાઈલ ફોન સહિતની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જેલમાં પણ કર્મચારીઓ સાથે ફરજમાં રુકાવટ જેવા ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા હતા. આ સમગ્ર માહિતી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એકઠી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઈસમો વિરુદ્ધ નવા કાયદા ગુજસીટોક મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

3 આરોપીઓ જેલમાં, 7ની ધરપકડ, 2 ફરાર

નિખિલ દોંગા આ આખી ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો. જેને લઈને પોલીસે અગાઉ ઓન ગુનામાં તેની ધરપકડ કરી હતી. નિખિલને મળીને આ ગુનાના કુલ 3 આરોપીઓ હાલ જેલમાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે 7 જેટલા ઇસમોની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત આ ગુનાના 2 આરોપીઓ હાલ ફરાર હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ ગુનામાં પોલીસ હવે આરોપીના રિમાન્ડ મેળવીને ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરશે.

ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી અપીલ

રાજકોટના ગોંડલ વિસ્તારમાં આ ગેંગનો ત્રાસ એટલો હતો કે, ઈસમો વિરુદ્ધ કોઈ પણ અરજદાર દ્વારા અરજી કરવામાં આવે તો આ શખ્સો દ્વારા અરજીકર્તાને ધક ધમકીઓ આપવામાં આવતી હતી અને આમ છતાં વાત અટકે નહીં તો તેના પર હુમલો પણ કરવામાં આવતો હતો, જ્યારે મુખ્યત્વે આ ટોળકી લોકોની જમીન મકાન સહિતની મિલકત પચાવી પડતી હતી. જેને લઈને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, જો તેમની મિલકત અથવા જમીન કે મકાન, કે નાણાં આ ગેંગ દ્વારા પચાવી પાડવામાં આવ્યા હોય તો તેઓ પોલીસને આ અંગે માહિતી આપે તેમજ તેમનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details