- રાજકોટમાં વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા
- વાલીઓ ખાનગી શાળાની મોટી ફીથી કંટાળ્યા
- રાજકોટમાં કુલ 1200 બાળકોએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
રાજકોટઃ ભારતમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની પરિસ્થિતિનો સૌ કોઈ સામનો કરી રહ્યા છે. કોરોનાકાળમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. જેને કારણે ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ ખાનગી શાળાઓએ પણ ફીમાં વધારો કર્યો છે, તેમજ કોરોનાના કારણે ઓનલાઇન શિક્ષણ શરૂ છે જેને લઇને વાલીઓ હવે પરેશાન થઇ ગયા છે. હાલમાં વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 1200 કરતાં વધુ બાળકોએ અલગ અલગ ધોરણમાં એડમિશન સરકારી શાળામાં લીધું છે. અર્ધસરકારી તેમજ માધ્યમિક શાળાઓમાં પણ મોટી સંખ્યામાં બાળકોએ નવા એડમિશન લીધા છે.
ધોરણ 2 થી 8માં 1800 વિદ્યાર્થીએ મેળવ્યો પ્રવેશ
રાજકોટ જિલ્લા અને શહેરમાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ રહ્યા છે. જે મામલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલાએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં રાજકોટના મધ્યમ અને સામાન્ય વર્ગના વાલીઓની પરિસ્થિતિ કથળી છે. જેને લઇને હવે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. હાલમાં ધોરણ 2 થી 8માં રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 1880 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે.
આ પણ વાંચો :Corona Effect : સુરતમાં સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ધસારો