- રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
- સિવિલ હોસ્પિટલમાં 3000 લિટર ઓક્સિજનની ટેંક શરૂ કરાઇ
- આ ટેન્કથી 100 દર્દીઓને 24 કલાક ઓક્સિજન આપી શકાશે
રાજકોટ: કોરોનાના વધતા જતા દર્દીઓની સારવાર માટે માટે તાત્કાલિક ઉભી થયેલી જરૂરિયાતોને પહોંચી વળવા રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં વધારે દર્દીઓને સારવાર તેમજ દાખલ થયેલા દર્દીઓની વધતી જતી ઓક્સિજનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 3,000 લિટરની ક્ષમતા ધરાવતી વધુ એક ઓક્સિજનની ટેંક શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યપ્રધાન રૂપાણીએ મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લામાં કોરાના દર્દીઓની સારવાર માટે વધતી જતી મેડિકલ સુવિધાઓ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જિલ્લા તંત્રને તાત્કાલિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. જેના ભાગરૂપે વધુ એક ત્રણ હજાર લિટર ઓક્સિજનની ટેંક શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ સયાજી હોસ્પિટલમાં 20 હજાર લીટર ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્કને સ્થાપિત કરાઇ
20,000 લિટરની ઓક્સિજનની ટેન્કની સરકારે મંજૂરી આપી
રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય વ્યવસ્થાઓના નોડલ ડૉ. જે. કે. નથવાણીએ કોવિડના દર્દીઓની સંભવિત આગામી જરૂરિયાતો, આગોતરા આયોજનના ભાગરૂપે રાજકોટમાં સિવિલ ખાતે મોટી 20,000 લિટરની ઓક્સિજનની ટેન્કને રાજ્ય સરકારે મંજૂરી આપી છે તેમ જણાવ્યું હતુ. અત્યારે જે 3,000 લિટર ક્ષમતાની ઓક્સિજનની ટેન્ક શરૂ કરવામાં આવી છે તેનાથી વધુ 100 દર્દીઓને 24 કલાક ઓક્સિજન આપી શકાય અથવા વેન્ટિલેટર પરના 30 દર્દીઓને ઓક્સિજન આપી શકાય તેવી વધારાની સુવિધાઓ ઊભી થઈ છે.
આ પણ વાંચોઃ વડનગરમાં 2 કરોડના ખર્ચે 1,500 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કરાયો શરૂ
ઓક્સિજનનો દૈનિક વપરાશ 28થી 29 હજાર લિટર
રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અગાઉ આયોજનના ભાગરૂપે ઊભી કરાયેલી ઓક્સિજનની વ્યવસ્થામાંથી હાલ કોરોનાના દર્દી વધતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો દૈનિક વપરાશ 28થી 29 હજાર લિટરનો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અગાઉની વ્યવસ્થા પ્રમાણે 39 હજાર લિટરની ઓક્સિજનની કેપીસીટી હતી. 3,000 લીટરની નવી ટેન્ક્થી 42 હજાર લીટરની કેપેસિટી અત્યારે થઈ છે અને હવે ઊભી થનારી 20,000 લિટરની કેપીસીટિને લીધે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 62 હજાર લિટર ઓક્સિજનની ક્ષમતા ઉભી થશે.