રાજકોટઃ રાજકોટના વોર્ડ નંબર 13માં આજે સ્થાનિક મહિલાઓ દ્વારા પાણી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં માટલા ફોડી થાળી વગાડવામાં આવી હતી. આ સાથે પાણી મુદ્દે સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો.
પાણી મુદ્દે મહિલાઓએ માટલા ફોડી થાળી વગાડી, રાજકોટ તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ - વિરોધ કાર્યક્રમ
સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થઇને મેઘમહેર ભલે થઈ હોય પણ એ પાણીને ઉપયોગમાં લેવા માટે વહીવટીતંત્રની નબળાઇ છતી થઈ રહી છે. રાજકોટમાં કોર્પોરેશને ભરચોમાસે અને સાંબેલાધારે પાણી આભમાંથી પણ વરસી ચૂક્યું હોવા છતાં કાપ મૂક્યો છે, તો વિરોધ ન થાય તો નવાઈ લાગે. વોર્ડ નંબર-13માં પાણીકાપના મુદ્દે મહિલાઓએ સત્તાધીશોની ઊંઘ ઉડાડવા માટલાં ફોડ્યાં હતાં અને થાળીઓ પણ વગાડી હતી. વિરોધનો બીજો પણ એક મુદ્દો છે કે, જે પાણી આવે છે તે પણ ભેળસેળવાળું આવે છે.
પાણી મુદ્દે મહિલાઓએ માટલા ફોડ્યાંને થાળી વગાડી, રાજકોટ તંત્રને જગાડવા પ્રયાસ
ઉલ્લેખનીય છે કે, રાજકોટના કેટલાક વિસ્તારમાં મનપા દ્વારા આજે પાણીકાપ આપવામાં આવ્યો છે. રાજકોટના હજુ પણ છેવાડાના વિસ્તારમાં મનપા દ્વારા માત્ર એકાતરે પાણી આપવામાં આવે છે. જ્યારે અમુકવાર ભેળસેળયુક્ત અને ગંદુ પાણી આવતું હોવાની પણ ફરિયાદ જોવા મળી છે. જેને લઇને આજે વોર્ડ નંબર 13ના કોંગ્રેસ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર સહિતની સ્થાનિક મહિલાઓ દ્વારા તંત્રને જગાડવા માટે આશ્ચર્યજનક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.