- પ્રહલાદ મોદીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા
- 30થી વધારે સસ્તા અનાજના દુકાનદારોને નોટિસ ફટકારાઇ
- ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને ઢીંગલી નામ અપાયું હોવાનું તપાસમાં ખુલ્યું
રાજકોટ: રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોનું બાયોમેટ્રિક સોફ્ટવેરને લઈને કૌભાંડ આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. જેની તપાસ રાજકોટમાં પણ કરવામાં આવી છે. જે મામલે રાજકોટમાં 30થી વધારે સસ્તા અનાજના દુકાનદારોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જ્યારે આ મામલે આજે રાજ્યના સસ્તા અનાજની દુકાનના એસોસિએશનના પ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદી રાજકોટ ખાતે દોડી આવ્યા હતા તેમજ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. રાજકોટ ખાતે આવેલા પ્રહલાદ મોદીએ વર્તમાન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, દુકાનદારો ચોર નથી, પરંતુ સરકાર છે. દુકાનદારોને ચોરી કરવા માટે મજબૂર કર્યા છે.
રાજકોટમાં 30 વધુ દુકાનદારોને નોટિસ
સસ્તા અનાજની દુકાનવાળા બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટની જગ્યાએ અન્ય લોકોની ફિંગર પ્રિન્ટ લઈને તેના ભાગનું બારોબાર વેચી નાખતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેની તપાસનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો છે. જે મામલે 30થી વધુ દુકાનદારો આ પ્રકારના કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ કામમાં ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને ઢીંગલી નામ અપાયું હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે આ પ્રકરની તપાસને લઈને કેટલાક સસ્તા અનાજની દુકાનના વેપારીઓ દ્વારા પુરવઠા વિભાગને પોતાનું રાજીનામું ધરી દીધું છે. જેને લઇને મોટો વિવાદ સર્જાયો છે.