- આજીડેમ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો
- મનપા દ્વારા રાજ્ય સરકારને કરાઈ હતી પાણીની માંગણી
- નવનિયુક્ત કોર્પોરેટરો સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
રાજકોટઃગુરૂવારે નર્મદાનાં નીર આજીડેમમાં આવી પહોંચતાં રાજકોટના નવનિયુક્ત 68 જેટલા કોર્પોરેટરોએ આજીડેમના નવા નીરના વધામણા કર્યા હતા. રાજકોટના આજીડેમ ખાતે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, આજી ડેમમાં નર્મદાના નીર આવી પહોંચતા હવે આગામી દિવસોમાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યા રહેશે નહિ.
સૌની યોજના હેઠળ નર્મદાનું નીર પહોંચ્યું રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ રાજકોટના જીવાદોરી સમાન એવા આજી ડેમમાં પાણી આગામી એક મહિનો સુધી ચાલે તેટલું જ હતું. જેને લઇને મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે નર્મદાના નીરની માંગણી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર આજીડેમમાં પહોંચાડવામાં આવ્યું છે. જે આગામી દિવસોમાં સંપૂર્ણ ભરાઈ જશે અને આખો ઉનાળો ચાલે એમ છે. ત્યારે આજે મનપાના અધિકારીઓ દ્વારા નર્મદાના નીરને વધાવામાં આવ્યા હતા.