ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 400થી વધુ કરાયા ઓપરેશન - 6 જૂનના સમાચાર

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસના કેસ પણ વધતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસના 400થી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 400થી વધુ કરાયા ઓપરેશન
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના 400થી વધુ કરાયા ઓપરેશન

By

Published : Jun 6, 2021, 12:58 PM IST

  • રાજકોટમાં કુલ 700 જેટલા દર્દીઓ મ્યુકોરમાઇકોસીસની સારવાર હેઠળ
  • દર્દીઓને સર્જરી બાદ સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવે
  • કેટલાક દર્દીઓ સર્જરી માટે વેઈટિંગમાં હોવાનું સામે આવ્યું

રાજકોટઃ કોરોનાની બીજી લહેર બાદ દેશમાં અલગ-અલગ રોગ ફાટી નીકળ્યા છે. જેમાં હાલમાં મ્યુકોરમાઇકોસીસ નામનો રોગ મોટાભાગના કોરોનાની સારવાર લીધેલા દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃમ્યુકોરમાઇકોસીસનો કયો વેરિયન્ટને છે સૌથી ઘાતક, જાણો

દરરોજ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સર્જરી કરવામાં આવે છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સર્જરી કરવામાં આવે છે. જેમાં અત્યારસુધીમાં 400થી વધુ મ્યુકોરમાઇકોસીસના ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. હાલમાં રાજકોટમાં કુલ 700 જેટલા દર્દીઓ મ્યુકોરમાઇકોસીસની સારવાર હેઠળ છે.

મ્યુકોરમાઇકોસીસ માટે અલગ 500 બેડનો વોર્ડ ઉભો કરાયો

મ્યુકોરમાઇકોસીસના કેસમાં વધારો થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસ માટે અલગ 500 બેડનો વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જે હાલ ફૂલ થઇ ગયો છે. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને સર્જરી બાદ તેમને સમરસ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

દરરોજ 18થી 20 જેટલા ઓપરેશન

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 24 કલાક સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ 18થી 20 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે. જ્યારે હજુ પણ કેટલાક દર્દીઓ સર્જરી માટે વેઈટિંગમાં હોવાનું સામે આવ્યું છે.

494 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ

હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 494 જેટલા મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સમરસ હોસ્ટેલમાં 193 જેટલા દર્દીઓ સારવાર હેઠળ જોવા મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સર્જરી બાદ તેમણે સમરસ હોસ્ટેલમાં દાખલ રાખવામાં આવે છે.

મ્યુકોરમાઇકોસીસના 5 જેટલા દર્દીઓના મોત રાજકોટમાં નોંધાયા

જ્યારે અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસીસના 5 જેટલા દર્દીઓના મોત રાજકોટમાં નોંધાયા છે. રાજકોટમાં મ્યુકોરમાઇકોસીસના કેસ વધતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક આ પ્રકારના રોગના દર્દીઓને સારવાર મળે તે માટે કામ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃપાલનપુરમાં બનાસ કોવિડ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસની સારવાર શરૂ કરાઈ

સિવિલમાં 60 ટકા દર્દીઓ અન્ય જિલ્લાના

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસીસની સારવાર લઈ રહેલા દર્દીઓમાંથી 60 ટકા દર્દીઓ સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને અન્ય જિલ્લાઓના નોંધાયા છે. જ્યારે રાજકોટ મનપા હેઠળના 40 ટકા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે અન્ય જિલ્લાઓમાંથી પણ મ્યુકોરમાઇકોસીસના દર્દીઓ દાખલ થવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવતા હોવાના કારણે દર્દીઓના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details