- રાજકોટ મનપા ફૂડ વિભાગે કરી કાર્યવાહી
- 400થી વધુ એક્સપાયરી ડેટની ઠંડા પીણાની બોટલોનો નાશ કર્યો
- 9 કિલોગ્રામ જેટલો અખાદ્ય અને વાસી ખોરાક પણ નષ્ટ કરાયો
રાજકોટઃ રાજકોટ મનપાએ કરેલી આ કાર્યવાહી દરમિયાન 400થી વધુ ઠંડા પીણાની એક્સપાયરી ડેટવાળી બોટલો મળી આવી હતી. આ સાથે જ 9 કિલો ગ્રામ જેટલો અખાદ્ય અને વાસી ખોરાક પણ મળી આવ્યો હતો. આ તમામ વસ્તુઓનો ફુડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. તહેવારોને લઈને જાહેરમાં જ લોકોના આરોગ્ય સાથે થતાં ચેડાને અટકાવવા માટે મનપા દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આજી ડેમ તેમજ પ્રદ્યુમન પાર્ક ઝૂ વિસ્તારમાં ચેકિંગ
ફૂડ વિભાગ દ્વારા આજીડેમ ગાર્ડન તેમજ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યાં જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આજી ડેમ તેમજ પ્રદ્યુમન પાર્ક ઝૂ હાલ ખુલ્લા રાખવામાં આવ્યાં છે. અહીં મોટા પ્રમાણમાં લોકો ફરવા માટે આવતા હોય છે. એવામાં અહીં ઠંડા પીણાનું અને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જે દરમિયાન 408 જેટલી ઠંડાપીણાની વિવિધ એક્સપાયરી ડેટવાળી બોટલો ઝડપાઈ હતી. ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ઠંડા પીણાની દુકાનમાં તેમજ રેકડીમાં આ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં એક્સપાયરી ડેટવાળી ઠંડાપીણાની બોટલો ઝડપાઈ હતી. જેને લઇને ફુડ વિભાગ દ્વારા તાત્કાલિક આ તમામ બોટલોની ઘટનાસ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. 9 કિલો અખાદ્ય, વાસી ખોરાક ઝડપાયો ફૂડ વિભાગ દ્વારા આજીડેમ ગાર્ડન તેમજ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ વિસ્તારમાં આવેલી 37 જેટલા દુકાનદારો અને ખાદ્ય પદાર્થના વેચાણ કરતા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જે દરમિયાન 9 કિલો જેવો અખાદ્ય,વાસી અને કલરવાળો ખાદ્યપદાર્થ પણ ઝડપાઈ આવ્યો હતો. જેનો પણ ફૂડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં આવેલી કેન્ટીન શિવધારા ફૂડઝોન અને હાઇજેનિક કન્ડિશન અંગે પણ નોટિસ પાઠવવામાં આવી હતી. આમ ફૂડ વિભાગ દ્વારા સાતમ-આઠમના તહેવારને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ કાર્યવાહી કરવામાં આવી હતી.