- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીના હિતમાં લીધો નિર્ણય
- વિદ્યાર્થીઓને કૉલેજમાં એડમીશન માટે મુશ્કેલી ન સર્જાય તે માટેનો એક્શન પ્લાન
- નવી કૉલેજોને મંજૂરી આપવા સહિતના મુદ્દાઓની ચર્ચા
રાજકોટઃ કોરોનાના કારણે ગુજરાતમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, ત્યારે હવે આ વિદ્યાર્થીઓને આગામી અભ્યાસક્રમ માટે એડમીશનને લઈને મુશ્કેલીઓ સર્જાઈ તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેને લઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને કૉલેજમાં એડમીશન માટે મુશ્કેલી ન સર્જાય તે માટેનો એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં આગામી દિવસોમાં કૉલેજોમાં વર્ગખંડ વધારવા તેમજ નવી કૉલેજોને મંજૂરી આપવા સહિતના મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોની આગામી 20 જૂનથી પરીક્ષા યોજાશે
આ વખતે ધોરણ 12નું પરિણામ વધારે આવશે-ઉપકુલપતિ
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ.વિજય દેસાઈએ જણાવ્યું હતું કે, સ્વભાવિક રીતે દર વર્ષે ધોરણ 12નું 55થી 60ટકા જેટલું પરિણામ આવતું હોય છે, પરંતુ આ વખતે માસ પ્રમોશનને લઈને સંભવિત રીતે ધોરણ 12નું પરિણામ વધુ આવવાની શક્યતાઓ છે, જ્યારે આ વખતે કૉલેજના પ્રથમ વર્ષમાં પણ મોટાભાગના વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી શકે છે. જેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને એડમીશન માટે હેરાન ન થવું પડે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.