- ઉતરાયણ પહેલા જ પતંગની દોરી બની જીવલેણ
- પતંગની દોરી બની જીવલેણ 8વર્ષની બાળકીએ ગુમાવી તેના પિતાની છત્રછાયા
- 39 વર્ષીય વ્યક્તિને ગાળાના ભાગે પતંગની દોરી વાગવાથી મોત
રાજકોટ : શહેરના મવડી વિસ્તારમાં આવેલા ન્યુ ગોપાલ પાર્ક શેરી નંબર 2માં રહેતા વિપુલભાઈ નામના 39 વર્ષીય વ્યક્તિને ગાળાના ભાગે પતંગની દોરી વાગવાને કારણે મોત નિપજ્યું છે. આ સમગ્ર મામલે વિપુલભાઈના પરિવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિપુલભાઈ બકરાણીયા ગોપાલ પાર્કમાં સંયુક્ત પરિવારમાં રહેતા હતા. વિપુલભાઈ અને તેમના મોટા ભાઈ ભરતભાઈ છૂટક મિસ્ત્રી કામ કરીને પરિવારનું આર્થિક ગુજરાન ચલાવતા હતા.
દીકરીએ ગુમાવી પિતાની છત્રછાયા
વિપુલભાઈના પરિવારમાં સંતાનમાં 8 વર્ષની જીયા નામની દીકરી છે. ત્યારે પિતાનું પતંગની દોરી વાગવાથી મોત થતાં વહાલસોયી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. ગઈકાલે વિપુલભાઈ સરિતા વિહાર નામની સોસાયટીમાંથી પોતાનું મિસ્ત્રી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે નાના મહુવા રોડ પર આવેલી સત્યમ પાર્ટી પ્લોટની નજીક પતંગની દોરી તેમના ગળાના ભાગે વાગવાથી ગળું કપાવાથી તેમનું મોત નીપજયું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો
આ સમગ્ર ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
ઉતરાયણ પહેલા જ પતંગની દોરી બની જીવલેણ