- વાવઝોડાના કારણે વીજતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન
- રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આપી માહિતી
- 122 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો
રાજકોટ: તૌકતે વાવાઝોડું ગત રાત્રીના 8 વાગે ગુજરાતમાં ત્રાટક્યું હતું. જેને લઇને દરિયા કિનારાના વિસ્તારોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. જેમાં દીવ, ઊના, પોરબંદર, ભાવનગર અને અમરેલી પંથકમાં ભારે પવન સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો. જેને લઇને વીજતંત્રને ભારે નુકસાની વેઠવી પડી છે. મંગળવારે રાજકોટમાં રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમને વીજતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી તેમજ વીજતંત્રને વાવાઝોડા દરમિયાન થયેલી નુકસાની અંગેની માહિતી આપી હતી.
ઉર્જા પ્રધાન સૌરભ પટેલની પત્રકાર પરિષદ આ પણ વાંચોઃનેવીએ તોફાનમાં ફસાયેલા બાર્જ P305 પર સવાર 146 લોકોને બચાવ્યા
વાવઝોડાના કારણે વીજતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન
રાજકોટમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા માહિતી આપતાં જણાવ્યું હતું કે, તૌકેત વાવાઝોડાને પગલે રાજકોટ સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થવા પામ્યું છે. જ્યારે વાવાઝોડા અંતર્ગત 3 હજાર 748 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 1 હજાર 115 ગામડાંઓમાં ફરી વીજપુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ પણ કામગીરી શરૂ છે. વાવાઝોડાને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં 30 થી 40 ટકા વીજ પોલ ધરાશાયી થયા હતા. તેમજ આ વાવાઝોડાના પગલે વીજતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાના કારણે 3નાં મોત, 1953 ગામોમાં વીજળી ગુલ,16,500 ઝૂંપડાને અસર
122 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો
સૌરભભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની 391 જેટલી કોવિડ હોસ્પિટલોમાંથી 122 જેટલી હોસ્પિટલોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જેમાંથી હજુ પણ 66 જેટલી કોવિડ હોસ્પિટલોમાં વીજપુરવઠો કાર્યરત કરવાનું બાકી છે. ત્યારે આ કામગીરી પણ સતત ચાલી રહી છે. સૌરાષ્ટ્રના ગીર ગઢડા, બગસરા, ખાંભા, રાજુલા, સાવરકુંડલા, મહુવા, સિહોર, તળાજા અને વલ્લભીપુર વિસ્તારમાં હજુ પણ વીજ પુરવઠો નથી. જ્યારે તંત્ર દ્વારા અહીં તાત્કાલિક વીજળી મળે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.