- રાજકોટ જિલ્લામાં સિંહોના આંટાફેરા
- ગામની વચ્ચે જાહેરમાં જ મિજબાની કરતો વીડિયો વાઇરલ
- જિલ્લાના 20 થી વધુ પશુઓનું મારણ
રાજકોટઃ ત્રંબા ગામમાં સિંહનો મિજબાની કરતો વીડિયો વાઇરલ - રાજકોટમાં સિંહનો વીડિયો વાઇરલ
રાજકોટ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ત્રણ સિંહોના આંટાફેરાના સતત સમાચાર સામે આવતા રહે છે, ત્યારે સિંહનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે રસ્તા પર જાહેરમાં મિજબાની કરતો હોય તેવું દેખાઇ રહ્યું છે.
ત્રંબા ગામમાં સિંહનો મિજબાની કરતો વીડિયો વાઇરલ
રાજકોટઃ શહેરના આસપાસના ગામોમાં છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી એક માદા અને બે નર સિંહ આવી ચડ્યા છે, ત્યારે આ સિંહ જાહેરમાં જ મિજબાની માણતો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગામની વચ્ચે જાહેરમાં જ સિંહ મિજબાની માણી રહ્યો હતો અને ગ્રામજનો પણ તેને દૂરથી જોઈ રહ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ વાઇરલ થયો છે. સિંહનો રાજકોટના ગામમાં જાહેરમાં જ મિજબાની માણતો વીડિયો સામે આવતા લોકોમાં પણ કુતુહલ સર્જાયું છે.
હાલ રાજકોટ તાલુકાના સરધાર, પાડાસણ, લોથળા, ભયાસર અને કથરોટા વિસ્તારોમાં 3 સિંહ આંટાફેરા કરી રહ્યા છે. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સિંહ ગામના સિમેન્ટ રોડ પર પશુના મારણની મિજબાની માણી રહ્યો છે. જ્યારે તેની આસપાસ ગ્રામજનો પણ ઉભા ઉભા આ સમગ્ર ઘટના નિહાળી રહ્યા છે. આ વીડિયો રાજકોટના ત્રંબા ગામનો હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી રાજકોટ ખાતે આવી ચડેલા સિંહનો જ છે તેવી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.
ત્રણ સિંહોએ 20થી વધુ પશુઓનું કર્યું મારણ
રાજકોટ ખાતે આવી ચડેલા સિંહોએ અત્યાર સુધીમાં અલગ અલગ ગામોમાં 20થી વધુ પશુઓનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ સિંહો ઉમેરાળી, હલેન્ડા, ડુંગરપુર, ખારચિયા, મકનપર, સરધાર, વડાળી, લોથળા ભાયાસર, કાથરોટા, પાડાસણ અને ખોખલડળ સહિતના ગામડામાં ફરી રહ્યા છે, ત્યારે પશુઓનું મારણ પણ કરી રહ્યા છે. જેને લઈને ગ્રામજનોમા પણ ભયનો માહોલ સર્જાયો છે.