રાજકોટ: પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના પ્રધાન કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે ગુરુવારે જિલ્લાના વીંછિયાના હાથસણી અને મોટી લાખાવડ ગામે ગ્રામ્ય રસ્તાઓનું અને પિક-અપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાથસણીમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થનારા વિકાસકાર્ય પિક-અપ સ્ટેન્ડ રૂ. 2 લાખ 50 હજાર અને 14માં નાણાંપંચમાંથી રૂ. 4 લાખ 50 હજારના ખર્ચે બનનારા પેવર બ્લોક રસ્તાના કામનું તેમજ મોટી લાખાવડ ગામે રૂ. 19 લાખ 68 હજારના ખર્ચે બનનારા સી.સી.રોડ સુવિધા પથનું ખાતમુહૂર્ત કર્યું હતું.
રાજકોટ: કુંવરજી બાવળિયાના હસ્તે ગ્રામ્ય રસ્તા અને પિક-અપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરાયું
રાજકોટના વીંછિયાના હાથસણી અને મોટી લાખાવડ ગામે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે ગ્રામ્ય રસ્તા અને પિક-અપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
હાથસણી ખાતે કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, "કોરોનાના સંક્રમણ વચ્ચે પણ રાજ્ય સરકારે વિકાસના કામો અટકવા દીધા નથી. ખેડૂતો માટે રાહત પેકેજ પણ આપ્યું છે, તેમજ ખેડૂતોને નુકસાની અંગે ફોર્મ ભરવા અનુરોધ કર્યો હતો. સરકાર ગ્રામ્ય વિસ્તારમાં શહેરો જેવી સુવિધા ઉભી કરી રહી છે. તો અમરાપુર, હાથસણી, દેવધરીનો રસ્તો પહોળો કરાશે, જરૂરિયાત મુજબ નદીઓ પર પુલો બનાવામાં આવશે, મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ લઇ 10 બહેનોના ગ્રુપ બનાવી આત્મનિર્ભર બનવા તેમજ પ્રાકૃતિક ખેતી અપનાવવા અને સાત પગલાં કલ્યાણ યોજનાના વિવિધ લાભોની માહિતી આપી હતી.
હાલના કોરોનાના સમયમાં સાવચેત રહેવા અને જાગૃત રહેવા અનુરોધ કર્યો હતો. હાથસણી ખાતેનાં કાર્યક્રમમાં સરપંચ કાળુભાઈ ધોરીયા, ઉપસરપંચ જીતુભાઇ, પ્રવીણભાઈ તેમજ મોટી લાખાવડ ખાતે અગ્રણી અશ્વિનભાઈ સાંકળીયા, તાલુકા પંચાયત સભ્ય નયનભાઈ, અંજનભાઈ, નાથાભાઇ વાસણ, લાખાભાઈ, નાયબ કાર્યપાલ ઇજનેર એચ.બી.ડાંગર, મામલતદાર અને ટીડીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.