ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની વાંચન આદત છૂટી ન જાય તે માટે જેતપુરના આચાર્યે અપનાવ્યો નવો અભિગમ - Favorite books

કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી દેશની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. બાળકોનું તમામ શિક્ષણ ઓનલાઈન ચાલી રહ્યું છે જેના કારણે તે મોબાઈલ-લેપટોપ પર વધુ સમય પસાર કરી રહ્યા છે, આ કારણે બાળકોની પુસ્તક વાંચનની આદત છૂટી ન જાય તે માટે રાજકોટના જેતપુરની સરકારી શાળાના આચાર્ય શાળાની 3000 પુસ્તકો વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈને તેમને આપી હતી.

online Education
ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની વાંચન આદત છૂટી ન જાય તે માટે જેતપુરના આચાર્યે અપનાવ્યો નવો અભિગમ

By

Published : Jul 1, 2021, 9:49 AM IST

  • રાજકોટમાં સરકારી શાળાના આચાર્યે અપનાવ્યો નવો અભિગમ
  • આચાર્ય વિદ્યાર્થીઓને પુસ્તક વેંચવા નિકળ્યા
  • બાળકોને મનગમતા પુસ્તકો આપવામાં આવ્યા

રાજકોટ: કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, અને બાળકો-વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા તેમનો અભ્યાસ કરી રહયાં છે. મહામારી દરમિયાન શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8 ના બાળકો ઓનલાઈન શિક્ષણના કારણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહયાં છે. આના કારણે બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય તે માટે જેતપુર તાલુકાના મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના આચાર્ય સંજય વેકરીયાએ એક અભિનવ અભિયાન હાથ ધર્યું છે.

ઘરે જઈને વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કર્યું

આ અભિયાનની વિગતો આપતાં HTAT આચાર્ય સંજયભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીને કારણે શાળાઓ બંધ છે, જેને કારણે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં આવી શકતા નથી. શાળાઓ બંધ હોવા છતાં પણ શિક્ષણ કાર્ય બંધ નથી. હાલના સમયમાં ઓનલાઈન એજ્યુકેશનની સાથે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો વાંચનની ટેવ ન ભૂલી જાય તે માટે કોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરી તેમને ટેકસ બુક બહારનું શિક્ષણ મળે તે માટે તેમને પુસ્તક વાંચન તરફ વાળવા મે ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કર્યું.

ઓનલાઈન શિક્ષણના કારણે વિદ્યાર્થીઓની વાંચન આદત છૂટી ન જાય તે માટે જેતપુરના આચાર્યે અપનાવ્યો નવો અભિગમ

આ પણ વાંચો : government school: જામનગરમાં ખાનગી શાળાનો મોહ ઉતર્યો, સરકારી શાળા તરફ વાલીઓની દોટ

ડોર ટુ ડોર જઈને બાળકોને તેમને ગમતા પુસ્તકો આપ્યા

આ માટે શાળાની લાયબ્રેરીના 3000 જેટલા પુસ્તકો બાળકો વચ્ચે ખુલ્લા મુકયા હતા. ડોર ટુ ડોર જઈને બાળકોને જે પુસ્તકો ગમતા હતા તેમને આપવામાં આવી હતી. એટલું જ નહી પરંતુ બાળકને પુસ્તક વાંચન બાદ તેમાં તેને શું ગમ્યુ ? પુસ્તકના વાંચનથી શું શીખ મળી ? જેવી બાબતોનો મોબાઈલમાં વિડીયો બનાવી મોકલવા પણ જણાવ્યું. શાળાના આચાર્યએ શરૂ કરેલા આ વાંચન અભિયાનનો બાળકોની સાથે તેમના વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો. વિદ્યાર્થીઓ પોતે જે પુસ્તક વાંચ્યું હોય એનો ટૂંક સારનો વિડીયો બનાવી આચાર્યએ શરૂ કરેલા શાળાના વોટ્સએપ ગ્રૂપમાં મોકલે છે.

બાળકોને મનગમતા પુસ્તકો આપવામાં આવ્યા

શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મનસ્વી અગ્રાવતે જણાવ્યું હતું કે, કોરોનાના કારણે જ્યારે અમારી શાળા બંધ હતી ત્યારે અમારી શાળાના આચાર્યએ અમારું શિક્ષણ કાર્ય અટકે નહી તે માટે અમને પુસ્તકો વાંચવા માટે આપે છે. મને ગણિત વધુ ગમે છે એટલે સાહેબે મને ગાણિતીક કોયડાને લગતુ ‘‘ક્વીઝ ટાઈમ - 3’’ નામનું પુસ્તક વાંચવા માટે આપ્યું હતુ. આ પુસ્તક વાંચ્યા બાદ મને ગણિતના અઘરા લાગતા દાખલાઓ હવે સમજાવા લાગ્યા છે. આ જ શાળામાં અભ્યાસ કરતો જેનીલ બાંભરોલીયા જણાવ્યું હતુ કે, મને આચાર્ય સાહેબે ‘‘રાષ્ટ્રના તેજોવંત ઘડવૈયા’’ પુસ્તક મને વાંચવા આપ્યું હતુ. આ પુસ્તકમાં દેશના મહાન વ્યક્તિઓ જેવા કે, રાણી લક્ષ્મીબાઈ, સરદાર પટેલ, ચંદ્રશેખર આઝાદ અને વિર ભગતસિંહ જેવા મહાપુરૂષોનું જીવન ચરિત્ર લખાયેલું હતુ. જે વાંચીને મને આ મહાપુરૂષોના જીવન વિશે વધુ સારૂ જાણવા મળ્યું છે.

20 જેટલા વાલીઓને પુસ્તકો વાંચવા પ્રેરીત કર્યા

ચેત્વી કાકડીયાએ ‘‘ગાંધીજીની વાતો’’ પુસ્તકનું વાંચન કર્યું હતુ તેના પ્રસંગો વર્ણાવતા ચેત્વી કહે છે કે, આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજી શાળામાં ભણતા હતા તે સમયની અનેક વાતો હતી, જે મે વાંચી ત્યારે ખબર પડી કે ગાંધીજી પહેલા અંધારાથી ડરતા હતા પરંતુ તેમના જીવનમાં બનેલા એક જ બનાવના કારણે તેમનામાં અંધારાનો ડર દૂર થઈ ગયો હતો. આ પુસ્તકના વાંચનથી મને મહાત્મા ગાંધીજીના જીવન વિશે ઘણુ બધુ જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, શાળાના આચાર્ય દ્વારા અત્યાર સુધીમાં 250 થી વધુ બાળકોને તેમજ 20 જેટલા વાલીઓને પુસ્તકો વિતરણ કરી તેમને વાંચવા માટે પ્રેરીત કર્યા છે.

આ પણ વાંચો : કોરોનામાં વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા, રાજકોટ જિલ્લામાં 2000થી વધુ બાળકોનું એડમિશન

કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો

કોરોના કારણે બાળકોની મનોસ્થિતિ પર ગંભીર અસરો પડી છે. લાંબુ લોકડાઉન રહેતા બાળકો ઘરની બહાર નીકળી ન શકવાના કારણે અને સ્કૂલ બંધ હોવાથી બાળકો મુંઝાય જાય છે. કોરોનાના આ કપરા સમયમાં સૌથી વધુ નકારાત્મક અસર વિદ્યાર્થીઓ પર પડી છે. મહત્વની વાત છે કે બાળક ઘરની અંદર જકડાઈ ગયું છે, તેને ભણવાનું હોય કે રમવાનું હોય, એ બધુ જ આજના સમયમાં મોબાઈલ પર જ છે. બાળકને ટચ સ્ક્રીનની આ દુનિયામાંથી બહાર કાઢવા મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના HTAT આચાર્ય સંજય વેકરીયાએ હાથ ધરેલો આ નવતર પ્રયોગ ગામના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ પુસ્તક વાંચન તરફ પ્રેરીત કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details