- રાજકોટમાં આરકે બિલ્ડર ગ્રુપ પર આઇટીના દરોડા
- આરકે બિલ્ડર ગ્રુપના 35થી વધુ સ્થળોએ તપાસ
- ઘણી બેનામી મિલકતના વ્યવહારો મળવાની શક્યતા
રાજકોટ: રાજકોટના જાણીતા બિલ્ડર એવા આર.કે.ગ્રુપના સર્વાનંદભાઇ સોનવાણી ઉપરાંત તેમના પરિવારના સભ્યો પર દરોડા પાડવામાં આવ્યા હતાં. વહેલી સવારથી ઇન્કમટેકસ ઓફિસરોના કાફલાએ રાજકોટમાં એક સાથે 35થી વધુ સ્થળોએ મેગા દરોડા ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં એક પછી એક સ્થળોને ઝપટે લેવામાં આવ્યાં હતાં. જ્યારે ઇન્કમટેક્સના દરોડાના કારણે બિલ્ડર-ફાઇનાન્સર લોબીમાં ફફડાટ સર્જાયો છે.
જાણીતા બિલ્ડર આર.કે ગ્રુપ પર પડવામાં આવ્યા દરોડા
શહેરના 150 ફૂટ રોડ પર આવેલા સિલ્વર હાઇટસ ખાતેના આર.કે. ગ્રુપના નિવાસસ્થાનોએ દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત આર.કે.પ્રાઇમ બિલ્ડીંગમાં આવેલી ઓફિસ પર ઇન્કમટેક્સ દ્વારા દરોડાની કાર્યવાહી કરાઈ હતી. આર.કે.ગ્રુપ સાથે કનેકશન ધરાવતા કોન્ટ્રાકટરો રમેશ પાંચાણીના સિલ્વર સ્ટોન વિસ્તારમાં આવેલા નિવાસસ્થાન તથા આશિષ ટાંકના નિવાસ ઉપરાંત રાજનગર ચોકમાં આવેલી ઓફિસે પણ દરોડા-સર્વે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ટ્રીનિટી ગ્રુપના પાર્ટનર પર પાડવામાં આવ્યા દરોડા
વહેલી સવારે આર.કે બિલ્ડર અને ટ્રીનિટી ગ્રુપના વિવિધ પાટર્નરને ત્યાં પણ આઇટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જનતા તથા જનકલ્યાણ સોસાયટીમાં આવેલા પ્રફુલ ગંગદેવના નિવાસસ્થાન તેમજ કોટેચા ચોક નજીક આવેલી તેમની ઓફિસ ખાતે આ દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે તેમના પાર્ટનર કિંજલ ફળદુ, ચંદ્રેશ પનારા, ગૌરાંગ પટેલના રહેઠાણ પર દરોડા કાર્યવાહી કરવામાં આવી છે. એવી પણ ચર્ચા છે કે રાજકોટના ટોચના ફાઇનાન્સરના સમગ્ર હિસાબ કિતાબ રાખતાં બે મુખ્ય કર્મચારીઓના નિવાસે પણ દરોડા પાડવામાં આવ્યાં છે. જ્યારે હજુ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
આ પણ વાંચોઃ રાજકોટ શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળ પર IT વિભાગે પાડ્યા દરોડા