- કોરોનાની મહામારીમાં હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ
- ઓક્સિજનની બોટલની માગમાં પણ થયો વધારો
- હોસ્પિટલ દીઠ દરરોજ 80 થી 90 બોટલની રહે છે માગ
રાજકોટ: કોરોનાની મહામારી દરમિયાન હોસ્પિટલમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે કોરોના દરમિયાન દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટતું હોવાનું સામે આવ્યું છે. જેને લાઈને કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરવામાં આવે તો, રાજકોટમાં હાલમાં કોવિડ હોસ્પિટલ દીઠ દરરોજ 80 થી 90 બોટલની માગ રહે છે. જ્યારે કોરોના નહતો ત્યારે માત્ર 2 કે 3 બોટલોની માગ રહેતી હતી. ઓક્સિજનની માગ વધતા તેના ભાવમાં પણ 50 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.
કોરોના કાળમાં ઓક્સિજનની માગમાં વધારો
હોસ્પિટલ દીઠ દરરોજ 80થી 90 બોટલોની માગ
રાજકોટમાં ઓક્સિજનની બોટલ સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા લકીરાજસિંહ રાણાએ જણાવ્યું કે, કોરોનાની મહામારી દરમિયાન રાજકોટમાં હાલ એક હોસ્પિટલ દીઠ દરરોજ 80થી 90 ઓક્સિજન બોટલની માગ રહે છે. જ્યારે નોર્મલ દિવસોમાં માત્ર બે કે ત્રણ બોટલોની માગ રહેતી હતી. જ્યારે મોટી હોસ્પિટલમાં બેડની ક્ષમતા પ્રમાણે ઓક્સિજન ટેન્ક મુકવામાં આવે છે. તેમાં પણ હાલ માગમાં વધારો જોવા મળી રહ્યો છે. કોરોના દરમિયાન દર્દીઓનું ઓક્સિજન લેવલ ઘટતું હોવાના કારણે ઓક્સિજનની બોટલની માગ પણ વધી છે.
રાજકોટમાં નથી થયું ઓક્સિજનું ઉત્પાદન
રાજકોટમાં વર્ષોથી ઓક્સિજન સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા લકીરાજસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોઈપણ જગ્યાએ ઓક્સિજન બનાવવા માટેનું લિક્વિડ બનાવવામાં નથી આવતું. મોટાભાગે વડોદરા, સુરતથી લિકવિડ આવે છે અને અહીં તેનું પ્રોસેસિંગ થઈને તેમાંથી ઓક્સિજનને રિફીલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં બાટલા મારફતે પહોંચાડવામાં આવે છે. આમ તમામ સપ્લાયર દ્વારા મોટાભાગે આજ પ્રક્રિયા કરવામાં આવ છે.
ઓક્સિજનના ભાવમાં પણ 30થી 40 ટકાનો વધારો
કોરોનાની મહામારી વધતા ઓક્સિજન માગ પણ વધી છે. ત્યારે ઓક્સિજનની માગ વધવાની સાથે તેના ભાવમાં પણ 30 થી 40 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલ હોસ્પિટલ દ્વારા સપ્લાયર પાસેથી અંદાજીત 1.5 કિલો બોટલના રૂ.135 અને 7 કિલો 268 રૂપિયાથી લેવામાં આવે છે. જ્યારે માગ વધારે હોવાના કારણે ઉપરથી જ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિક કક્ષાએ પણ ભાવમાં 30થી 40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.