રાજકોટઃજે ઉંમરે આકાશમાં ઉડવાના ખ્વાબ હોય, એવી અનેક સ્વપ્ન સેવતી 21 વર્ષની ઉંમરની યુવતીને અચાનક ખબર પડે કે મારી આયુષ્ય રેખા હાથમાં ભલે લાંબી હોય પરંતુ હું માત્ર બે થી ત્રણ માસ જ ધરતીની મહેમાન છું. મારી સફર બહુ જલ્દી પૂર્ણ થઈ જશે, તો તે વાત કઈ રીતે સ્વીકારી શકાય ?
રાજકોટની હેતલ રાયચુરાનીને પલ્મરી હાઈપરટેન્શનની બીમારી
ડોકટરે હેતલના માતા પિતાને પલ્મરી હાઈપરટેન્શન બીમારી (Pulmonary hypertension disease) વિશે વાત કરી ત્યારે સમગ્ર પરિવાર પર જાણે વીજળી પડી હતી. બંને માતા-પિતાને દીકરીના આત્મવિશ્વાસનો તેમને ખ્યાલ હતો. ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમગ્ર પરિવારને હિંમત આપતી દીકરીને હિચકિચાટ સાથે તેઓએ પલ્મરી હાઇપરટેંશનની ગંભીર અસર હોવાની વાત જણાવી હતી. તેના બંને ફેફસા ડેમેજ થઈ ચુક્યાનું અને હૃદય ફૂલી ગયું હોવાનું અને આયુષ્ય બહુ ટૂંકું હોવાની વાત કરી હતી. આયુષ્ય કેટલું છે તે જાણવા છતાં નિયતિને સહર્ષ સ્વીકારી તેની સામે સંઘર્ષ કરવા મેદાને ઉતારવાની જીદ પકડી આ બહાદુર છોકરીએ.
સામાન્ય વ્યક્તિની જેમ સ્વસ્થતાપૂર્વક જીવવાનું શરૂ કર્યું
બહારથી ખુબ જ સામાન્ય દેખાતી હેતલના પરિવાર સિવાય બહુ ઓછા લોકોને ખબર છે કે તે જવલ્લેજ થતા પલ્મરી હાઇપરટેંશનની દર્દી છે. હેતલે જણાવ્યું હતું કે, જયારે મને ખબર પડી કે હું થોડાક સમય માટે જ આ દુનિયાની મહેમાન છું, ત્યારે મારે જીવવું જ છે તેવો દ્રઢ નિશ્ચય કર્યો હતો. આજે આ વાતને સાત વર્ષ થઈ ગયા છે. હજુ હું સામાન્ય વ્યક્તિની જેમ જ દવા લઈ સ્વસ્થતાપૂર્વક જીવી રહી છે.
આજકાલ ઓર્ગન ટ્રાન્સપ્લાંટ સરળ બન્યું
રાજકોટ નાગરિક બેંકમાં કાર્યરત 21 હજારના પગારમાંથી આશરે 20 હજારની દવાનો ખર્ચ જાતે જ ઉપાડતી સામાન્ય પરિવારની હેતલ કહે છે કે, આજકાલ ઓર્ગન ટ્રાન્સપ્લાંટ સરળ બન્યાનુ મેં સાંભળ્યું છે. આ બાબતે વિવિધ ડોકટરોનો સંપર્ક કર્યો છે અને મને જીવવાનું બળ મળ્યું હતું. જયારે મને કહેવામાં આવ્યું કે મારા બંને લંગ્સ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકાય તેમ છે.