રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકામાં પાટિયાળી પાસે આવેલો મોતીસર ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ઓવરફ્લો થયો હતો. મોટીસર ડેમ ઓવરફ્લો થતા ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યાં હતા.
મોતીસર ડેમમાં કુલ 15 દરવાજા આવેલા છે અને આ ડેમ 22 ફૂટની સપાટી ધરાવે છે. મોતીસર ડેમમાં 697 ક્યુસેક પાણીની આવક સામે 697 ક્યુસેક પાણીની જાવક પણ છે. ડેમ ઓવરફ્લો થતા નીચે આવેલા પાટિયાળી, હડમતાળા અને કોલીથડ ગામને એલર્ટ કરાયા છે.
કોટડાસાંગાણી પંથકમાં ધોધમાર વરસાદ કોટડાસાંગાણી પંથકના અરડોઈ, ગુંદાસરા સહીતના ગામોમાં ભારે વરસાદના કારણે હડમતાળા ગામની નદીમાં ઘોડાપુર આવ્યુ હતું. હડમતાળાની નદીમાં ઘોડાપુર આવતા જ હડમતાળા થી કોટડાસાંગાણીને જોડતો માર્ગ બંધ થયો હતો. જેથી વાહન ચાલકો અટવાયા હતા.
કોટડાસાંગાણી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે ગોંડલની ગોંડલી નદીમાં પણ પુર આવ્યુ હતું. જેથી ગોંડલ થી વોરાકોટડા જતા કોઝવે પર પુરના પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો. વોરાકોટડા જવાનો એક જ કોઝવે આવેલો છે, જ્યાં સુધી પાણીનો પ્રવાહ ઓછો નહીં થાય ત્યાં સુધી વોરાકોટડાના લોકો કોઝવે પરથી પસાર થઈ શકશે નહીં.
પાટિયાળી પાસે આવેલો મોતીસર ડેમ ઓવરફ્લો