રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા અને વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટે લાભ પાંચમના દિવસથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે નિર્ણયને અમે આવકારીએ છીએ. જો કે, આ વર્ષે વિક્રમ સંવત પ્રમાણે અધિક માસ આવે છે જેથી પ્રથમ આસો માસ અધિકમાસ આવે છે. જે 18 સપ્ટેમ્બર 2020થી શરૂ થશે.
મગફળીના ટેકાના ભાવની ખરીદી વહેલી તકે શરૂ કરવા ગોંડલ APMCના ચેરમેને મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
રાજકોમાં મગફળીના ટેકાના ભાવની ખરીદી વહેલી શરૂ કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળા અને વાઇસ ચેરમેન મુખ્યપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.
જેના પરિણામે લાભ પાંચમ નિયમીત વર્ષના પ્રમાણમાં એક માસ મોડી એટલે કે, 19 નવેમ્બર 2020ના રોજ આવશે. જ્યારે હાલમાં મગફળીની સિઝન સપ્ટેમ્બર માસની 04 તારીખથી શરૂ થઇ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં 09 સપ્ટેમ્બર 2020ના રોજ 5000 ગુણી નવી મગફળી આવી છે. જે આગામી 10થી 15 દિવસમાં દૈનીક 20થી 25 હજાર ગુણીની આવક શરૂ થશે.
સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડમાં પણ નવી મગફળીની સિઝન હાલ શરૂ થઇ ગઇ છે. આ સંજોગોમાં જો સરકાર દ્વારા લાભ પાંચમથી એટલે કે, આશરે બે માસ પછી ખરીદી શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન થશે. જેથી અધિક માસને ધ્યાનમાં રાખીને લાભ પાંચમને બદલે નવરાત્રીના સમય દરમિયાન ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.