- રાજકોટના ગ્રીનમેને શેરી-ગલીએ 5 લાખથી વધુ વૃક્ષો વાવ્યા
- 400થી વધુ કર્મચારીઓનો પગારદાર સ્ટાફ રાખી જતન કરાવ્યુ
- પડધરીના 60 ગામોમાંથી અભિયાનની થઈ શરુઆત
રાજકોટ: સદભાવના વૃદ્ધા આશ્રમ (Sadbhavna oldage home) ના સંચાલક અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા વિજય ડોબરીયાએ શહેરની આસપાસના વિસ્તારમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કર્યું છે. સામાન્ય રીતે લોકો વૃક્ષો તો અનેક વાવે છે પરંતુ તેનું ઉછેરીને જતન કરી શકતા નથી. જેને લઈને આ કામ રાજકોટના વિજય ડોબરીયાએ કર્યું છે. આ કામ માટે તેઓએ 400થી વધુ કર્મચારીઓનો પગારદાર સ્ટાફ પણ રાખ્યો છે. હજુ પણ તેમની આ સેવા અવિરતપણે ચાલુ છે. તેમનું લક્ષ્ય સમગ્ર ગુજરાતને ગ્રીન બનાવવાનું છે.
છેલ્લા 7 વર્ષથી વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું
વિજય ડોબરીયાએ 5 જૂન 2014થી શહેરના અલગ અલગ વિસ્તારમાં વૃક્ષો વાવવાનું કામ શરૂ કર્યું છે. તેમજ છેલ્લા 7 વર્ષમાં વિજય ડોબરીયા અને તેમની ટીમ દ્વારા રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારમાં 5 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે અને તેમનું જતન પણ કરી રહ્યા છે. આ ટિમ દ્વારા માત્ર વૃક્ષ જ વાવવામાં નથી આવતું. આ વૃક્ષના જતન માટે લોખંડનું પીંજરું લગાડવામાં આવે છે અને અંદાજીત 7 થી 8 ફૂટનું વૃક્ષ વાવીને તેને ત્રણ વર્ષ સુધી પાણી પીવડાવીને તેનું જતન કરવામાં આવી રહ્યું છે.
140 પાણીના ટેન્કર સહિત 400 કરતા વધુનો સ્ટાફ
આ કામ પાછળ વિજયભાઈ દ્વારા માત્ર વૃક્ષોને દરરોજ પાણી પીવડાવવા માટે 70 ટેન્કર, 70 ટ્રેક્ટર અને 480 માણસોનો પગારદાર સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સિવાય અન્ય સામાજિક અગ્રણીઓ અને નિવૃત અધિકારીઓ દ્વારા પણ આ ટીમને મદદ કરવામાં આવે છે. જેને લઈને તેમને અત્યાર સુધીમાં 5 લાખ વૃક્ષોનું જતન કર્યું અને તેને ઉછેર્યા છે. જ્યારે હજુ પણ તેઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં જ્યાં ખુલ્લા પ્લોટ હોય અથવા શેરીઓ ગલીઓમાં વૃક્ષો વાવવામાં આવે છે.