રાજકોટઃ રાજ્યમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે. દિવસેને દિવસે ચોરી, હત્યા, દુષ્કર્મ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યના મોટા શહેરોમાં પણ ગુનાખોરીની ઘટનાઓ બની રહે છે. તો શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે તાજેતરમાં જ ચાર જેટલા ઈસમોને મહિલાની છેડતી મામલે ગાંધીગ્રામ 2 પોલીસે ઝડપી પાડ્યા હતા.
રાજકોટમાં પ્રથમ વખત મહિલા છેડતી મામલે આરોપીઓને પાસાની સજા - ગુજરાત ક્રાઈમ
રાજકોટમાં પ્રથમ વખત મહિલા છેડતીના મામલે આરોપીઓને પાસાની સજા કરવામાં આવી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ક્રિસ્ટલ મોલ ખાતે તાજેતરમાં જ ચાર જેટલા ઈસમોને મહિલાની છેડતી મામલે ગાંધીગ્રામ પોલીસે આરોપીને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસ દ્વારા ચારેય ઇસમોનો ગુનાહિત ઇતિહાસ તપાસ કરવામાં આવતા બે ઇસમો વિરુદ્ધ શહેરના તાલુકા પોલીસ, ભક્તિનગર પોલીસ અને યુનિવર્સિટી પોલીસ મથકમાં અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જેને લઈને ગાંધીગ્રામ 2 પોલીસ દ્વારા આ બન્ને ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ દરખાસ્તને શહેર પોલીસ કમિશનર દ્વારા બન્ને આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળનો વોરંટ ઇશ્યૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરના ક્રિસ્ટલ મોલ અને તેની આસપાસના વિસ્તારમાં મહિલાઓ અને યુવતીઓના છેડતીના બનાવ વારંવાર બનતા હોય છે, જેને લઈને પોલીસ દ્વારા યુવતીઓ અને મહિલાઓની છેડતી કરનારા ગુનેગારોને સબક મળે તે માટે નવા સુધારેલા કાયદા હેઠળ છેડતી કરનાર ઈસમો વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી કરવામાં આવી છે.