- રાજકોટ તાલુકાના અનેક ગામમાં સિંહે ધામા નાખ્યા
- વન વિભાગ દ્વારા ખેડૂતો સાથે સભા કરી પત્રીકા વિતરણ કરાઈ
- સિંહ સામે કેવી રીતે સાવચેતી રાખવી તેની આપવામાં આવી રહી છે માહિતી
રાજકોટઃ શહેરના સિમાડે છેલ્લા 25 દિવસથી ત્રણ સિંહે ધામા નાખ્યા છે. આ સિંહો માનવભક્ષી ન હોવા થી તેને પાંજરે પણ પૂરી શકતા નથી. જેથી સિંહો આગળ આગળ અને વન વિભાગ પાછળ પાછળ દોડી રહ્યું છે. ત્યારે સિંહ સામે કેવી રીતે સાવચેતી રાખવી અને શું ન કરવું તે માટે વન વિભાગ દ્વારા ખેડૂતો સાથે રાત્રિ સભા કરી અને પત્રિકા વિતરણ કરી માહિતી આપવામાં આવી રહી છે. વનવિભાગ સતત સિંહોની ગતિવિધિ પર નજર રાખી રહ્યુ છે. જોકે, હજુ સુધી સિંહોએ માનવી પર હુમલો કર્યો નથી.
ખેડૂતોને કરવામાં આવી રહ્યા છે જાગૃત
વન વિભાગ દ્વારા પત્રીકા વિતરણ કરાઈ વનરાજાના આગમનથી ખેડૂતોમાં રાજીપા સાથે ભયનો માહોલ છે. કોંગ્રેસે ફોરેસ્ટ અને વહીવટી વિભાગ દ્વારા સિંહની ડણકથી ભયભીત ખેડૂતો અને પશુપાલકોની વહારે આવવાની માંગ કરી છે. બીજી તરફ ફોરેસ્ટ વિભાગ દ્વારા અલગ-અલગ રીતે ખેડૂતોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેને ફોરેસ્ટ વિભાગ ખેડૂતોની વહારે આવે તેવી માંગ કરી
સરધાર અને કોટડાસાંગાણી પંથકમાં છેલ્લા 25 દિવસથી ત્રણ સિંહોની જોડીએ ડેરા નાખ્યા છે. આ સિંહોની જોડીને આ વિસ્તાર અનુકૂળ આવી ગયો હોય તેમ અહીં સિંહ વિહાર કરી રહ્યાં છે. ખેડૂતોના મુદ્દે જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરીયાએ ફોરેસ્ટ વિભાગ ખેડૂતોની વહારે આવે તેવી માંગ કરી છે અને જે પશુપાલકોના પશુઓનું મારણ થયું તેને તાત્કાલિક સહાય ચૂકવવાની પણ માંગ કરી છે.