- રાજકોટની હોટેલમાંથી પોલીસને સગીરા મળી અને કૂટણખાનું પણ ઝડપાયું
- NGOની મહિલા ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી
- હોટેલમાં દેહવ્યાપાર થતો હોવાનો પણ પર્દાફાશ થયો
રાજકોટ: સદર બજાર વિસ્તારમાં આવેલી હોટેલ પાર્કઇનમાં સગીરાને વેચવા માટે લઈને આવ્યા હોય તેવી બાતમી મુંબઈની એક NGOને મળતા NGOની મહિલા ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. તેમજ હોટેલ પાર્કઇનમાં પોલીસની મદદથી તપાસ કરતા સગીરા મળી આવી હતી. જ્યારે આ સગીરાને લઈને આવનાર શખ્સ પોલીસને મળ્યો ન હતો, પરંતુ પોલીસ દ્વારા આ હોટેલની તપાસ કરવામાં આવતાં હોટેલમાં દેહવ્યાપાર થતો હોવાનો પણ પર્દાફાશ થયો છે. આ હોટેલના અન્ય રૂમમાંથી બે યુવતી મળી આવી છે. જે દેહવ્યવહારના વ્યવસાય સાથે સંકળાયેલી છે.
હોટેલમાં ચાલતું હતું કૂટનખાનું, બે યુવતીઓ મળી
મુંબઈની NGO સાથે રાજકોટ મહિલા પોલીસની ટીમ આ હોટેલ પર ગઈ હતી. જ્યાંથી એક સગીરા મળી આવતાં પોલીસ દ્વારા હોટેલના તમામ રૂમ ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી હોટલના રૂમ નંબર 102માંથી મળી આવેલી બે યુવતીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન સામે આવ્યું કે રાજકોટના પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ કકડ સાથે મળી બહારથી ગ્રાહક બોલાવી આ હોટેલમાં 28 વર્ષીય યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હોવાનું સામે આવ્યું છે.