- ગઈકાલ બપોર બાદ રાજકોટમાં મેઘમહેર
- રાજકોટના ડેમોમાં અડધો ફૂટ નવા નીરની આવક
- રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
રાજકોટ: સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. તેમજ વિવિધ જિલ્લાઓમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં પણ ગઈકાલે બપોર બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે, જે વહેલી સવાર સુધી ધીમીધારે વરસ્યો હતો. સમગ્ર રાજકોટ જિલ્લામાં સારો વરસાદ થયો છે, જેને લઈને રાજકોટ જિલ્લાના વિવિધ ડેમોમાં પણ નવા નીરની આવક નોંધાઇ છે. રાજકોટના અલગ અલગ ડેમોમાં અડધો ફૂટથી દોઢ ફૂટ જેટલા નવા નીરની આવક જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન આવતા રાજકોટ જિલ્લાઓના વિવિધ ડેમોમાં પાણીના સ્તર ઘટ્યા હતા, પરંતુ હાલ 2 દિવસથી વરસાદ આવતા નવા નીરની આવક ડેમોમાં નોંધાઇ છે.
ડેમોમાં નવા નીરની આવક નોંધાઈ
રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા જળાશયોમાં નવા નીરની આવક નોંધાઇ છે. જેમાં ભાદર ડેમની હાલની સપાટી 24.22 ફૂટે પહોંચી છે, જેની કુલ સપાટી 32 ફૂટ છે. છેલ્લા 24 કલાકમાં 1.54 ફૂટ નવા નીરની આવક થઈ છે, જ્યારે આજી ડેમ-1ની હાલની સપાટી 16.80 ફૂટે પહોંચી છે, જેની કુલ સપાટી 36.51 ફૂટ છે. છેલ્લા 24 કલાકમાં 0.43 ફૂટ નવા નીરની આવક છે. ન્યારી-1 ડેમની હાલની સપાટી 17.10 ફૂટે પહોંચી છે. જેની કુલ સપાટી 47.57 ફૂટ છે. છેલ્લા 24 કલાકમાં 0.16 ફૂટ નવા નીરની આવક થઈ છે. તેમજ આજી-2 ગત રાત્રીના ઓવરફ્લો થયો છે. જે ચાલુ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે.