- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ડ્રેગનફ્રુટને કમલમ નામ આપવાની જાહેરાત
- ડ્રેગન ફ્રૂટને લાગ્યો રાજકીય રંગ
- ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચે મંજૂરી આપી
રાજકોટઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડ્રેગન ફ્રુટનું નામ બદલીને કમલમ ફ્રૂટ કર્યું છે, જેના માટે રાજ્ય સરકારે દરખાસ્ત મોકલી હતી, તેને ઈન્ડિયન એગ્રીકલ્ચર રીસર્ચે મંજૂરી આપી છે. જોકે ડ્રેગન ફ્રુટનું નામ બદલાવાની સાથે રાજકીય રંગ પકડ્યો છે.
રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી રાજકોટના પ્રવાસે છે. ત્યારે આજે મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટ મનપા સહિતના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે. આ સમયે કોઠારીયા વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ઈટીવી ભારતે મુખ્યપ્રધાન રૂપાણીને ડ્રેગન ફ્રુટનું કમલમ ફ્રુટ નામ કેમ રાખ્યું તે અંગેનો સવાલ કર્યો હતો.
ઈટીવી ભારતના સવાલ અંગે શુ કહ્યું સીએમ રૂપાણીએ
તાજેતરમાં સીએમ રૂપાણી દ્વારા ગુજરાતમાં ઉગતા ડ્રેગન ફ્રૂટને કમલમ ફ્રુટ નામ આપ્યું છે. જેને લઈને રાજકોટની મુલાકાતે આવેલા સીએમ રૂપાણીને ઈટીવી ભારત દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ડ્રેગન ફ્રૂટનું નામ કેમ કમલમ આપ્યું, આ અંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે ડ્રેગન ફ્રુટ નામ એ ચાઈનીઝ નામ હતું અને આપણી સંસ્કૃતિમાં મોટાભાગના ફ્રુટ સાથે સંસ્કૃત નામો જોડાયેલા છે. તેમજ તેનો આકાર કમળ જેવો છે માટે કમલમ નામ આપ્યું છે. જેને લઈને આની પાછળ કોઈ રાજકીય રંગ આપવાનો પ્રયત્ન નથી.