- પ્રાકૃતિક ખેતી કરવાના શોખથી પ્રેક્ટિસ મૂકીને તબીબ બન્યા ખેડૂત
- 10 વીઘા જમીનમાં 14 હજાર કિલો ખારેકનું કર્યું ઉત્પાદન
- સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે લાખો રૂપિયા કમાય છે
રાજકોટ: પ્રાકૃતિક ખેતીથી સૌરાષ્ટ્રના કૃષિ જગતની તાસીર બદલાઈ રહી છે. સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂતોના અખતરા અને પ્રાકૃતિક ખેતીના પરિણામો નાના અને સીમાંત ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચમાં મોટો ઘટાડો કરીને રોજગારીની નવી દિશા આપી રહ્યા છે. રાજકોટના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વ્યવસાયે ડોક્ટર છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખથી પ્રેક્ટિસ મૂકીને તેઓએ રાજકોટ નજીક જશવંતપુર ગામે તેમના 20 વીઘા ફાર્મમાં 12થી 15 ગીર ગાય વસાવીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીને બીજા ખેડૂતોને પ્રેરણા મળે તેવા આવિષ્કારો કર્યા છે.
10 વીઘા જમીનમાં 14 હજાર કિલો ખારેકનું ઉત્પાદન ખેડૂત સાથે વ્યવસાયે છે ડોક્ટર
રાજકોટના પ્રગતિશીલ ખેડૂત ડો. રમેશભાઈ પીપળીયાએ તેમની પ્રાકૃતિક ખેતી અંગે જણાવ્યું કે, તેમણે 7 વર્ષ પહેલા જશવંતપુર ગામે 20 વીઘા જમીનમાંથી 10 વીઘા જમીનમાં ટિશ્યૂ કલ્ચર પદ્ધતિથી ખારેકનું વાવેતર કર્યું હતું. તેઓ 4 વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવે છે. વધુ વિગત જણાવતાં તેમણે કહ્યું કે, ગાય આધારિત અને સંપૂર્ણ પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરવાથી બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી. એક વીઘા જમીનમાં ખારેકના 60 ઝાડ ઉભા છે અને દરેક ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે અને જૂન-જુલાઈમાં ખારેક પાકી જતા તેને ઉતારી લેવામાં આવે છે. હાલમાં એક ઝાડ પર 50થી 60 કિલો ખારેકનો ઉતારો છે. આ રીતે 10 વીઘા જમીનમાં કુલ 14 હજાર કિલો ખારેકના ઉત્પાદનનો અંદાજ છે. અન્ય પાકના પ્રમાણમાં તેમને ખારેકમાં મબલખ ઉત્પાદન મળ્યું છે. એક ઝાડ દીઠ રૂપિયા 5થી 7 હજારની આવક થાય છે.
એક ઝાડ પર 50થી 60 કિલો ખારેકનો ઉતારો
ખારેકની આવક સાતત્યપૂર્ણ રહે છે અને હવામાનની કોઈ ખાસ અસર ન થતી હોવાનું જણાવતા રમેશભાઈ કહે છે કે, જો નાનો ખેડૂત તેની જમીનમાં ખારેક વાવે તો એક-બે વીઘા જમીનમાં પણ દોઢથી બે લાખનું ઉત્પાદન આરામથી મેળવી શકે છે, કારણ કે પ્રાકૃતિક ખેતી અને સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂ કલ્ચર પાકથી બધી જ ખારેકમાં મીઠાશ જળવાઈ રહે છે અને ખેડૂત પોતે મહેનત કરીને રીટેલ વેચાણ કરે તો વધારે ફાયદો થાય છે. આ ઉપરાંત ખારેકના 2 ઝાડ વચ્ચે વધારે અંતર રહેતું હોવાથી આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે. ઇઝરાયેલી પદ્ધતિથી ખારેકના ઝાડ વચ્ચે હવે આંબાના વાવેતરના પ્રયોગો પણ સફળ થયા છે. એમ જણાવતાં રમેશભાઈ પીપળીયા જણાવે છે કે, સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીનો વિસ્તાર વધ્યો છે એટલે બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે.
દૂધનો છંટકાવ કરી શાકભાજીના પાક પર રોગના નિયંત્રણ
ખારેકની ખેતીમાં એક રોપા દીઠ નોંધપાત્ર સબસીડી પણ મળે છે અને 33 ટકા જેટલા ખર્ચમાં પણ રાહત મળે છે. તેવું ડોક્ટર દ્વારા જણાવામાં આવ્યું હતું. જ્યારે ખારેકની ખેતીમાં બહુ પાણીની પણ જરૂર રહેતી નથી. રાજકોટના બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ ખારેકના વાવેતર માટે એક રોપા દીઠ રૂપિયા 1250 મહત્તમ 1 હેકટર સુધી સબસીડીની સહાય આપવામાં આવે છે. રાજકોટના આ પ્રગતિશીલ ખેડૂત તેમના ફાર્મમાં 12થી 15 ગીર ગાય પણ રાખે છે અને આ ગાય શુદ્ધ અને સાત્વિક દૂધ તો આપે છે પરંતુ તેના ગોબર અને ગૌ-મૂત્રથી દેશી ખાતર બનાવીને ખેતીમાં ઉપયોગ કરે છે. તેમણે જંતુનાશક દવાના ઉપયોગ વગર તેમજ દૂધનો છંટકાવ કરી શાકભાજીના પાક પર રોગના નિયંત્રણ પર પણ સફળ પ્રયોગ કર્યો છે.