રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયત બહાર દિવ્યાંગો માટે એક બોર્ડ મારવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગ અરજદારોએ પોતાની રજૂઆત માટે DDOની ઓફિસ ખાતે નહી જવું પડે, પરંતુ દિવ્યાંગ આ બોર્ડમાં લગાવવામાં આવેલ ફોન નંબર ઉપર ફોન કરશે તો ખુદ DDO અથવા અથવા તેમના સમકક્ષ અધિકારી દિવ્યાંગ પાસે આવીને તેમની રજૂઆત રૂબરૂ સાંભળશે, તેમજ તેમની અરજીનો નિકાલ થાય તેવા પ્રયાસો કરશે. હાલ જિલ્લા પંચાયતમાં લિફ્ટની વ્યવસ્થા ના હોય જેને કારણે દિવ્યાંગ અરજદારો કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવે, અને તેને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા પંચાયતમાં નથી કોઈ વ્યવસ્થા
રાજકોટ જીલ્લા પંચાયતની બિલ્ડીંગમાં લિફ્ટની સુવિધાનો અભાવ છે. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી સહિતના પંચાયતના મોટાભાગના અધિકારીઓની ઓફિસ બીજા માળે આવી છે, એમાં જ્યારે દિવ્યાંગ અરજદાર આવે ત્યારે તેને આ ઓફિસ ખાતે જવા માટે ખૂબ જ તકલીફો પડતી હોય છે, જેને લઇને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા પોતાનો ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમજ જિલ્લા પંચાયતની કચેરી ખાતે નીચે બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં ફોન નંબર ઉપર દિવ્યાંગો ફોન કરશે એટલે કે પંચાયતના અધિકારીઓ તેમને મળવા રૂબરૂ નીચે આવશે.
દિવ્યાંગ અરજદાર હેરાન ન થાય તે જરૂરી: DDO
રાજકોટ જિલ્લા પંચાયતની કચેરી બહાર ફોન નંબર સાથેનું બોર્ડ દિવ્યાંગો માટે રાખવામાં આવ્યું છે, જેને લઇને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતનું બિલ્ડીંગ ખૂબ જ જૂનું છે. તેમજ તેમાં લિફ્ટની સુવિધાઓ નથી. જેને લઇને અહીં રજુઆત માટે આવતા દિવ્યાંગ અરજદારો અને મુશ્કેલી ન સર્જાય તે માટે આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે હું ઓફિસમાં હોવ ત્યારે હું પોતે આ દિવ્યાંગો ને મળવા જઈશ અથવા મારા PA તેમજ જે-તે શાખાના અધિકારીઓ જેની રજૂઆત માટે દિવ્યાંગ આવ્યા છે, તેઓ રુબરુ આ દિવ્યાંગોને મળવા જશે.