- કોરોના કાળમાં કુલીઓની હાલત કફોડી
- રેલવે સ્ટેશનમાં કુલ 45 કુલીમાંથી 18 વધ્યા
- રાજકોટ રેલવે સ્ટેશન પર હાલ આવે છે 9થી 10 ટ્રેન
રાજકોટ: ભારતમાં કોરોના (Corona)ની પરિસ્થિતિએ અર્થતંત્રને ખુબ જ નુકશાન પહોંચાડયું છે. એવામાં છેલ્લા દોઢ વર્ષમાં અનેક લોકોના કામ ધંધા બંધ થયા છે. જ્યારે મોટાભાગની ઇન્ડસ્ટ્રી પણ હાલ ઓછા કર્મચારીઓથી ચાલી રહી છે. મધ્યમ તેમજ સામાન્ય વર્ગના લોકોની હાલ જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં રાજકોટમાં રેલવે સ્ટેશન (Rajkot Railway Station) પર કામ કરતાં 45 જેટલા કુલીઓની પરિસ્થિતિ પણ ખૂબ જ કફોડી બની છે. રાજકોટ રેલવે સ્ટેશન પર 45 જેટલા કુલીઓએ કામ કરતા હતા પરંતુ કોરોનાના કારણે લોકડાઉન થયું અને માત્ર 18થી 20 જ કુલીઓ કામ પર આવી રહ્યા છે. બાકી કુલીઓએ અલગ અલગ જગ્યાએ કામ કરવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: વડોદરાથી સુરત વચ્ચેની મેમુ ટ્રેન શરૂ કરવા કીમ રેલવે સલાહકાર સમિતિની રજૂઆત
રેલવે સ્ટેશનમાં કુલ 45 કુલીમાંથી 18 વધ્યા
રાજકોટ રેલવે સ્ટેશન (Railway Station)પર કુલ 45 જેટલા કુલીઓ દોઢ વર્ષ અગાઉ કામ કરતા હતા પરંતુ લોકડાઉન થતા ત્રણ મહિના સંપૂર્ણ રેલવે સ્ટેશન સહિતની વસ્તુઓ બંધ રહી હતી. ત્યારે આ કુલીઓના ઘર ચલાવવા ખૂબ જ મુશ્કેલ બન્યા હતા. એવામાં 45 કુલીમાંથી હાલ માત્ર 18 જેટલા જ કુલીઓ રેલવે સ્ટેશન પર રેગ્યુલર કામ કરે છે. જ્યારે મોટાભાગના કુલીઓ પોતાના ઘરની પરિસ્થિતિ ચલાવવા માટે અલગ અલગ કામ ધંધામાં જોડાઇ ગયા છે. જ્યારે કેટલાક કુલીઓ તો વ્યાજે પૈસા લઈને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. જ્યારે કેટલાક કુલીઓ પોતાના સગા સંબંધીઓ પાસેથી ઉછીના લઈને હાલ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. કુલીઓને પરિસ્થિતિ એટલી કફોડી બની છે કે તેમને પોતાનું ઘર ચલાવવામાં પણ હાલ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.