- સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી
- આ વખતની ચૂંટણીમાં AAP પણ સક્રિય
- મનિષ સિસોદિયા રાજકોટમાં યોજશે રોડ શો
રાજકોટઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે. એવામાં રાજકોટ મનપાની ચૂંટણીઓ પણ યોજાવાની છે. જેને લઈને આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં મુખ્ય પક્ષો ભાજપ- કોંગ્રેસ સાથે NCP અને આમ આદમી પાર્ટી પણ સક્રિય રીતે ચૂંટણીમાં પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે અને તમામ બેઠકો પર ચૂંટણી લડવાના છે. જેને લઈને હવે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જેમાં રવિવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે રોડ શો યોજશે. જેના માટે રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
રાજકોટમાં 72 બેઠકો માટે ઉમેદવારો જાહેર
ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવે તે માટે આમ આદમી પાર્ટી સતત પ્રયત્નશીલ છે. ગત ઘણાં સમયથી દિલ્હીના કેબિનેટ પ્રધાનો અને ધારાસભ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, ત્યારથી ગુજરાતના વિવિધ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ તમામ 18 વૉર્ડમાં 72 બેઠકો માટે 72 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચાર માટે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાન મનિષ સિસોદિયા રાજકોટમાં રોડ શો યોજશે.
મનિષ સિસોદિયા રાજકોટમાં યોજશે રોડ શો
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાના રાજકોટમાં રોડ શો યોજશે. જેમાં મનિષ સિસોદિયાના રોડ શોનો પ્રારંભ ગ્રીન લેન્ડ ચોકડીથી થશે તે પૂર્વે સિસોદિયા રણછોડદાસના આશ્રમે દર્શન કરવા જશે અને રોડ શોનો પ્રારંભ કરશે અને સરદાર પટેલની પ્રતિમા, બહુમાળી ભવન પાસે પૂર્ણ થશે. અંદાજિત 4 કલાકનાં આ રોડ શોમાં આશરે 20 કિલોમીટર જેટલા રૂટ બનાવીને રાજકોટના મોટા ભાગના વૉર્ડ કવર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ રોડ શો દરમિયાન અનેક સ્થાનો પર મનિષ સિસોદિયાનું સ્વાગત કરવામાં આવશે. આ રોડ શોમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તા પોતપોતાના મોટર સાયકલ સાથે જોડાશે.