રાજકોટ:રાજકોટના રૈયા રોડ પર ભુગર્ભ ગટરમાંથી બાળકનું મૃત ભ્રુણ (Dead Fetus Found In Rajkot) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. રૈયા રોડ પર આવેલા જીવનનગર શેરી નં.3 માંથી મૃત ભ્રુણ મળ્યાની ખબર મળતા જ ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પાંચેક માસનો ભ્રુણ હોવાનું અનુમાન લગાવાયું હતું. આ ભ્રુણ કોણ નાખી ગયું? તે અંગે તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો:પાંડેસરામાં ભંગાર ગાડીમાંથી 8 માસના બાળકનો મૃતદેહ મળ્યો
ગટરમાંથી મૃત શિશુનું ભ્રુણ મળ્યું
આજે સવારે 11 વાગ્યા બાદ રૈયારોડ પર જીવનનગર શેરી નં.3માં ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાથી મનપાની ટીમ સફાઈ માટે ગયેલી હતી, ત્યારે ગટરનું ઢાંકણું ખોલતા અંદરથી મૃત શિશુનું ભ્રુણ મળી આવ્યું હતું. જેથી તુરંત પોલીસને જાણ કરાતા ગાંધીગ્રામ પોલીસની ટીમ દોડી આવી હતી અને જરૂરી કાગળ કાર્યવાહી કરી ભ્રુણને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયુ હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભ્રુણ પાંચેક માસનું જણાય છે. જેથી આસપાસમાં કોઈ સગર્ભા હતું કે કેમ તેની તપાસ થશે. ઉપરાંત રાતના સમયે કે વહેલી સવારે કોઈ ભ્રુણ નાખી ગયું હોવાનું અનુમાન છે જેથી આસપાસના સીસીટીવી ચેક કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદઃ માંડલના સીતાપુરમાં 7 માસના શિશુનું ભ્રુણ મળ્યું
આ રીતે ખબર પડી કે ગટરમાં ભ્રુણ છે
રાજકોટ મનપાના સફાઈ કર્મીઓએ સાંજ સમાચારને જણાવ્યું હતું કે, જીવનનગર શેરી નં.3ની બંધ શેરીમાં ગટર ઉભરાઈ છે તેવી ફરિયાદ મળતા અગિયારેક વાગ્યા બાદ અમેં ગટર સફાઈ માટે આવેલા હતા. અહીં શેરીમાં અમે ગટરનું ઢાંકણું ખોલ્યું હતું. દરેક વખતે આવા સિમેન્ટના ઢાંકણા ખોલવામાં થોડી મહેનત પડે છે, કારણ કે, આ ઢાંકણા લાંબો સમય બંધ રહેતા હોય છે. તેના કારણે જામ થઈ જતા હોય છે, પરંતુ અમે જે ઢાંકણુ ખોલ્યું તે સરળતાથી ખુલી ગયું હતું. તેમાં ફરતે જે ધૂળ જામેલી હોય તે સાઈડમાં કરી દેવાઈ હતી. ઢાંકણુ ખોલી અંદર જોતા ગટરના પાણીમાં કંઈક ઢીંગલા જેવી વસ્તુ તરતી હતી અમને એમ જ હતું કે રમકડાંની ઢીંગલી હશે પણ બહાર કાઢી જોતા બાળકનું મૃત ભ્રુણ હોય તેવું જણાયું હતું. ઢાંકણુ ઢીલું હોય અહીંથી જ કોઈએ ઢાંકણુ ખોલી રાતના સમયે નાખ્યું હોવાનું અનુમાન છે.