- રાજકોટમાં બુધવારે 400 વિદ્યાર્થિનીઓએ પરિવાર સાથે લીધી કોરોનાની વેક્સિન (Corona Vaccination)
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupaniના પત્ની અંજલી રૂપાણી (Anjali Rupani)એ વેક્સિનેશન કાર્યક્રમની કરાવી હતી શરૂઆત
- રાજકોટમાં એક જ સ્થળે એક સાથે 500 લોકોએ કોરોનાની વેક્સિન (Corona Vaccine) લીધી
રાજકોટઃ શહેરમાં કોરોના વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની સદગુરૂ મહિલા કોલેજની 400 જેટલી વિદ્યાર્થિનીઓએ પોતાના પરિવાર સાથે ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કોરોના વેક્સિન લીધી હતી. સમગ્ર કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો, જેમાં રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. રાજકોટમાં એક જ સ્થળે એક જ દિવસમાં ખૂબ જ ઓછા સમયમાં 500 જેટલા લોકોએ કોરોના વેક્સિન લીધી હોય તેવી આ પ્રથમ ઘટના કહી શકાય છે.
આ પણ વાંચો-Walk In Vaccination Campaign- દાંતા તાલુકામાં રાજસભાના સાંસદના હસ્તે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત
કોરોનાની વેક્સિન લેવામાં રાજકોટનો ચોથો ક્રમ
રાજ્યમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ હાલ અલગ-અલગ જગ્યાએ કોરોના વેક્સિનેશન માટેના કેમ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની મદદ લઇને અલગ-અલગ સંસ્થાઓ દ્વારા પોતાના વિસ્તારમાં કોરોના વેક્સિન લેવા મેગા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે ત્યારે ચૌધરી ગ્રાઉન્ડ ખાતે આજે સદગુરૂ મહિલા કોલેજ દ્વારા પણ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આમાં 400 જેટલી વિદ્યાર્થિનીઓએ કોરોના વેક્સિન લીધી હતી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોરોના વેકસીન લેવામાં રાજકોટ શહેરનો ચોથો ક્રમ આવે છે.
આ પણ વાંચો-Walk In Vaccination Campaign - પ્રથમ દિવસે જ વડોદરામાં વેક્સિન લેવા પહોંચેલા લોકોને પડી હાલાકી
રાજકોટ કોરોના વેક્સિનેશનમાં પ્રથમ ક્રમ મેળવે: મેયર
કોરાના વેક્સિન મહાઅભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટમાં મોટા પ્રમાણમાં લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે કોર્પોરેશન પણ લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરી રહ્યું છે, જેના ભાગરૂપે આજે 400 જેટલી દીકરીઓએ પોતાના પરિવાર સાથે કોરોના વેક્સિન લીધી છે. જ્યારે કોરોના વેક્સિન લેવામાં હાલ રાજકોટનો સમગ્ર ગુજરાતમાં ચોથો ક્રમ આવે છે. આગામી દિવસોમાં એવો પ્રયત્ન કરવામાં આવશે રાજકોટનો સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સિન લેવામાં પ્રથમ ક્રમ આવે.