- સીંગતેલ અને કપાસિયા તેલના ભાવો ઘટ્યા
- સીંગતેલ અને કપાસિયા તેલમાં 30 રૂપિયા સુધીનો ઘટાડો
- રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન ખાદ્યતેલના ભાવોમાં 80થી 100નો વધારો જોવા મળ્યો હતો
રાજકોટ: તાજેતરમાં જ શ્રાવણ માસ અને જન્માષ્ટમીનો તહેવાર પૂર્ણ થયા બાદ એકાએક સીંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં ઘટાડો જોવા મળ્યો છે. 15 કિલોના ડબ્બે રુપિયા 30નો ઘટાડો સીંગતેલ અને કપાસિયામાં પણ નોંધાયો છે. આમ બંને મુખ્ય તેલના ભાવોમાં ઘટાડો નોંધાતા સાઈડ તેલમાં પણ ભાવ ઘટ્યા છે. જ્યારે રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સીંગતેલ અને કપાસિયા તેલમાં રૂપિયા 80થી 100નો વધારો જોવા મળ્યો હતો, જેમાં હવે તહેવારો બાદ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે મોંઘવારીની માર સહન કરી રહેલી જનતા માટે રાહતના સમાચાર કહી શકાય.
સીંગ અને કપાસિયા બન્નેમાં રૂ.30-30 ઘટ્યા
તહેવારો બાદ અચાનક ખાદ્યતેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્ય તેલ એવા સીંગતેલ અને કપાસિયામાં રૂ.30નો ઘટાડો નોંધાયો છે. ત્યારે તહેવાર દરમિયાન ખાદ્યતેલની માંગ પણ વધી હતી, જેને લઇને તેના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો, પરંતુ તહેવાર ગયા બાદ હવે ખાદ્યતેલની માંગ ઘટતા હવે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે બંને મુખ્ય તેલમાં રૂપિયા 30-30નો ઘટાડો નોંધાયો છે. જેની સામે અન્ય તેલમાં પણ ભાવ ઘટ્યા છે.