- માટી કૌભાંડ મામલે NSUI દ્વારા કુલપતિને રજૂઆત
- યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં આ માટી કૌભાંડ સામે આવ્યું
- 7 લાખથી વધુનું બોગસ બિલ મંજુર કરાવવા માટે મૂકવામાં આવ્યું
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ( Saurashtra University ) માં સામે આવેલા બહુચર્ચિત માટી કૌભાંડ મામલે આજે સોમવારે રાજકોટ NSUI દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. આ માટી કૌભાંડ ( Soil Scam )મામલે તાત્કાલિક ધોરણે કાર્યકારી રજિસ્ટ્રાર જતીન સોની ( Registrar Jatin Soni )ને હોદ્દા ઉપરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે NSUI દ્વારા યુનિવર્સિટીમાં હોબાળો મચાવવામાં આવતા પોલીસ દ્વારા આ તમામ NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ સંકુલમાં આ માટી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં બોગસ બિલો બનાવીને તેને પાસ કરવાની ઘટનાનો પર્દાફાશ થયો છે.
આ પણ વાંચો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 7.50 લાખનું ખોટું બિલ મૂકી કૌભાંડ આચાર્યુ
રજિસ્ટ્રાર તરીકે મારુ કામ ટ્રેક્ટરના ફેરા ગણવાનું નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામે આવેલા માટી કૌભાંડ મામલે એવી પણ ચર્ચા છે કે, યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર જતીન સોનીની આ કૌભાંડમા મુખ્ય ભૂમિકા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે ETV Bharat દ્વારા જતીન સોની સાથે આ મામલે વાત કરવામાં આવી હતી. આ બાબતે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મારું નામ જાણી જોઈને વિવાદમાં લાવવામાં આવી રહ્યું છે. મારે આ પ્રકારના કોઈ પણ કૌભાંડ સાથે કંઈ લેવાદેવા નથી. હું રજિસ્ટ્રાર તરીકે મારું કામ કરું કે ગ્રાઉન્ડમાં જઈને ટ્રેક્ટરના ફેરા ગણું ?, મને જાણીજોઈને બદનામ કરવામાં આવી રહ્યો છે.