- રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વૉર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય
- ભાજપ દ્વારા શહેરીજનોના અભિવાદન માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો
- મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહ્યા હતા ઉપસ્થિત
રાજકોટઃ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 18 વૉર્ડમાંથી 17 વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. તેમજ 72 બેઠકમાંથી 68 બેઠક ભાજપને મળી છે. જેને લઇને બુધવારે રાજકોટ ભાજપ દ્વારા શહેરીજનોના અભિવાદન માટે બહુમાળી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને લઈને રાજ્યના મુખ્યપ્રધાન કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. તેમજ રાજકોટ મનપામાં ચૂંટાયેલા 68 નવા ઉમેદવારોને પણ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ સભાને સંબોધન કર્યું હતું.
મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી
મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટના બહુમાળી ચોક ખાતે જનસભાને સંબોધિત કરી હતી. તેમજ રાજકોટમાં ચૂંટાયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યાં હતા. આ સાથે જ મુખ્યપ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે વિરોધ પક્ષ માટે પણ લાયક રહી નથી. કોંગ્રેસ વિમુખ થઈ છે. રૂપાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ, જ્ઞાતિ જાતિની રાજનીતિ અને નકારાત્મક રાજનીતિના કારણે હાલ કોંગ્રેસની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ સાથે જ કોંગ્રેસને હવે કંઈ સૂઝતું નથી, બે દિવસથી નેતાઓ માત્ર રાજીનામાના નાટક કરી રહ્યા છે. તેમજ હાલ એકબીજા ઉપર હારના ઠીકરા ફોડી રહ્યા છે. પ્રજાએ પણ કોંગ્રેસને સત્તા માટે તો ઠીક પણ વિરોધ પક્ષ માટે પણ લાયક ઠેરવી નથી.
કોંગ્રેસ વિરોધ પક્ષ માટે પણ લાયક નથી: મુખ્યપ્રધાન રૂપાણી