- રાજકોટમાં સીઝનલ બીમારીની ભરમાર
- ચિકનગુનિયા, તાવશરદીના કેસો વધ્યાં
- બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા હોવાના કારણે આ રોગચાળો વધ્યો
રાજકોટ: એક તરફ ચોમાસુ શરૂ છે જ્યારે હાલ શહેરમાં બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. એવામાં રાજકોટમાં રોગચાળો વધ્યો છે. આ વખતે રાજકોટ શહેરમાં ચિકનગુનિયાનાના કેસ પણ જોવા મળ્યાં છે. જ્યારે શહેરમાં વાહક જન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો હોવાનું મનપા ચોપડે નોંધાયું છે. જેને લઈને મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે અને શહેરના વિવિધ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે.
ચોમાસા દરમિયાન શહેરમાં રોગચાળો વધ્યો
રાજકોટની 78 જેટલી હોસ્પિટલ અને લેબોરેટરીમાં નોંધાયેલા કેસની વિગતો મનપા દ્વારા જાહેર કરવામાં આવે છે. જેમાં આ વખતે વાહક જન્ય રોગના કેસમાં વધારો થયો છે. જેમાં ડેન્ગ્યુના 7 કેસ, ચિકનગુનિયાના 4 અને મેલેરિયાનો 1 કેસ છે. જ્યારે પાણીજન્ય કેસની વાત કરવામાં આવે તો 119 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા છે. જ્યારે સામાન્ય તાવ શરદી અને ઉધરસના 500 કરતા વધુ કેસ જોવા મળ્યા છે. આમ કહી શકાય છે કે શહેરમાં ચોમાસા સાથે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા હોવાના કારણે આ રોગચાળો વધ્યો છે. જે ગત અઠવાડિયા કરતાં વધુ જોવા મળ્યા છે.