- રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો
- એક સમયે બેડની અછત સર્જાય હતી
- 5,000 કરતાં વધુ બેડ ખાલી
રાજકોટઃ કોરોનાની બીજી લહેરમાં રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાની સારવાર લેવા માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ હતી. કોરોનાના દર્દીઓ ઓક્સિજનના બાટલા લઈને ઘરે સારવાર લેવા માટે મજબૂર થયા હતા, જ્યારે ખાનગી અને સિવિલ હોસ્પિટલોમાં પણ દર્દીઓને 2 દિવસ સુધી સારવાર માટે વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો હતો, પરંતુ હાલ ધીમે ધીમે કોરોનાના કેસ પર કાબૂ મેળવવામાં આવતા સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાના બેડ ખાલી જોવા મળી રહ્યા છે. આજના દિવસમાં રાજકોટની ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલમાં 5,000 કરતાં વધુ કોરોના દર્દીઓ માટે હોસ્પિટલોમાં ખાલી બેડ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ GMDC ખાતે બેડ ખાલી થયા પણ લાઈનો અકબંધ
કોવિડ સેન્ટરો બંધ કરવામાં આવ્યા
રાજકોટમાં સતત કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઇ ગઇ હતી, જ્યારે કોરોનાના સામાન્ય લક્ષણ વાળા દર્દીઓ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને કેન્સર હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. આ સાથે જ અલગ અલગ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવ્યાં હતાં, પરંતુ રાજકોટમાં કોરોનાના કેસ ઘટતા મોટાભાગની સામાજિક સંસ્થાઓ દ્વારા કોવિડ કેર સેન્ટર બંધ કરવામાં આવ્યા છે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેનું સેન્ટર પણ બંધ કરવામાં આવ્યું છે. હાલ મોટાભાગના કોવિડ દર્દીઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હાલ રાજકોટમાં દૈનિક 100ની આસપાસ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે, જ્યારે 10ની આસપાસ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોતને ભેટી રહ્યા છે.