- બ્યુટી પાર્લર અને હેર સલૂન બંધ હોવાથી મહિલાઓ હતી ચિંતામાં
- શુક્રવારે બજારો ખુલતા બ્યુટીપાર્લર અને હેર સલૂનમાં જોવા મળી ભીડ
- કોરોના ગાઈડલાઈનના પાલન સાથે બોલાવવામાં આવી રહ્યા છે ગ્રાહકો
રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા ગુરૂવારે બ્યુટીપાર્લર, હેર સલૂન, પાનના ગલ્લા સહિતની દુકાનો ખુલ્લી રાખવાનું જાહેર કરવામાં આવતા જ શુક્રવારે રાજકોટના અલગ અલગ બ્યુટીપાર્લરોમાં સુંદરતા માટે મહિલાઓ અને યુવતીઓની લાંબી કતાર જોવા મળી હતી. એક અંદાજ પ્રમાણે લગભગ 15 હજાર જેટલું એડવાન્સ બુકિંગ સમગ્ર રાજકોટમાં બ્યુટીપાર્લરોમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી બ્યુટીપાર્લર અને હેર સલૂન બંધ હોવાના કારણે મહિલાઓ પણ પોતાની સુંદરતાને લઈને ચિંતામાં મૂકાઈ હતી. જ્યારે શુક્રવારે હેર સલૂન અને બ્યુટીપાર્લરો શરૂ થતાં મહિલાઓની લાંબી કતાર જોવા મળી હતી.
બજારો ખુલતાં જ રાજકોટના બ્યુટી પાર્લરોમાં મહિલાઓએ કરાવ્યું એડવાન્સ બુકીંગ રાજકોટના બ્યુટીપાર્લરોમાં 15 હજાર સુધીનું બુકીંગ
દેશમાં હજુ પણ કોરોના ગયો નથી. જેને લઈને બ્યુટીપાર્લર અને હેર સલૂનના માલિકો પોતાના ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાઈ અને શોપમાં કોરોના સંક્રમણ ન થાય તે માટે એડવાન્સ બુકીંગ લઈ રહ્યા છે. તેમજ બુકીંગ પ્રમાણે અલગ અલગ ગ્રાહકોને શોપ ખાતે બોલાવી રહ્યા છે. જ્યારે શુક્રવારે પહેલો દિવસ હોવાથી બ્યુટીપાર્લરોમાં મહિલા ગ્રાહકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી. જ્યારે બ્યુટીપાર્લર અને હેર સલૂનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને ગ્રાહકોને કોરોનાનો ચેપ ન લાગે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ફેશિયલ, હેર ટ્રીટમેન્ટની માગ સૌથી વધુ જોવા મળી
મિની લોકડાઉનમાં બપોરે 3 વાગ્યા સુધીની શોપ અને દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી મળતા સવારથી જ બ્યુટીપાર્લર અને હેર સલૂન બહાર મોટી સંખ્યામાં મહિલાઓ જોવા મળી હતી. જ્યારે આ અંગે રાજકોટના કાલાવડ રોડ પર ભાવિન બાવલિયા બોનંઝા સલૂન અને એકેડમીના ડાયરેક્ટરે ETV Bharatને જણાવ્યું હતું કે, ગઈકાલ રાતથી જ ગ્રાહકોએ એડવાન્સ બુકીંગ કરાવવાનું શરૂ કર્યું હતું. જ્યારે હજુ પણ મોટાભાગના ગ્રાહકો વેઇટિંગમાં જોવા મળી રહ્યા છે. તેમજ હાલ સૌથી વધુ હેર ટ્રીટમેન્ટ અને ફેશિયલ તેમજ વેક્સની માગ ખૂબ જ વધુ જોવા મળી રહી છે.