- રાજકોટમાં આંગણવાડી વર્કર બહેનોનો સન્માન કાર્યક્રમ યોજાયો
- મુખ્ય મહેમાન તરીકે અંજલી રૂપાણી રહ્યા હાજર
- પ્રમાણપત્ર અને શાલ આપી આંગણવાડી બહેનોનું કરાયું સન્માન
રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે આંગણવાડી વર્કર બહેનોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
આંગણવાડીના બહેનો ઓળખાય છે યશોદા માતા તરીકે
આ પ્રસંગે મહિલા મોરચાના પ્રભારી અંજલી રૂપાણીએ તેમના પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશને અને સમાજને મજબુત અને સક્ષમ ભાવી પેઢી મળે તે માટે પાયારૂપ ભૂમિકા નિભાવી રહેલા આંગણવાડીના બહેનો ખુબ જ અભિનંદનને પાત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણને જન્મ દેવકી માતાએ આપેલ પરંતુ તેને ભગવાન બનાવવાનો શ્રેય પાલક માતા યશોદાને મળેલ અને એટલા માટે જ આંગણવાડીના બહેનોને યશોદા માતા તરીકે ઓળખ આપવામાં આવી છે. ગર્ભાધાન પછી બાળકના ૧૦૦૦ દિવસ તેના બૌદ્ધિક વિકાસ માટે ખુબ જ મહત્વના હોય છે. જેથી આંગણવાડીના બહેનોનુ યોગદાન ખુબ જ મહત્વનું બંને છે.
ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની રચના
ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે અલગથી જ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની રચના કરી હતી. જેમાં આંગણવાડીના વિકાસ પર ભાર મુકવામાં અવ્યો હતો. જ્યાં ગર્ભવતી બહેનોને પોષક આહાર માંડીને બાળકોની તંદુરસ્તી તેમજ શારીરિક માનસિક વિકાસ માટે પોષણયુક્ત આહાર સાથે તેઓની કાળજી લેવામાં આવે છે. આ જ સીલસીલો આગળ ધપાવતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કુપોષિત બાળકોની યાદી તૈયાર કરાવી તે બાળકો પોષણયુક્ત બનાવવાનુ અભિયાન હાથ ધર્યું હતું.
આંગણવાડીમાં જાન્યુઆરી 2020માં 575 કુપોષિત બાળકો
આ અભિયાન અંતર્ગત રાજકોટમાં આંગણવાડીમાં જાન્યુઆરી 2020માં 575 કુપોષિત બાળકો હતા. આ સંખ્યા નવેમ્બર 2020માં ઘટીને 233 રહી છે. મુખ્યપ્રધાને 2019માં વહાલી દીકરી યોજના લોન્ચ કરી જેનો હેતુ દીકરીનો જન્મદર વધારવા અને શિક્ષિત બંને તેમજ બાળવિવાહ બંધ થાય તે હતો. આ યોજના હેઠળ દીકરીને શિક્ષણ માટે ધોરણ 1માં પ્રવેશ વખતે રૂપિયા 4000 અને ધોરણ 9માં પ્રવેશ વખતે રૂપિયા 6000 તથા દીકરીના લગ્ન વખતે રૂપિયા 1,00,000ની સહાય કરવામાં આવે છે. આજે તો દીકરીઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે અને અવકાશ યાત્રા પણ કરી ચુકી છે. જો દીકરી ભણે તો જ સમાજ આગળ આવશે. રાજકોટમાં આંગણવાડીની સુંદર કામગીરી બદલ મહાનગરપાલિકાના શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ અભિનંદનને પાત્ર છે.
પ્રમાણપત્ર અને શાલ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોનું સન્માન
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડી.એમ.સી. બી.જી. પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, આઈ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ. હીરાબેન રાજશાખા, મનીષાબેન, કોર્પોરેટર, સ્થાનિક હોદેદારો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રમાણપત્ર અને શાલ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં આંગણવાડી વર્કર બહેનોનો સન્માન કાર્યક્રમ યોજાયો, અંજલી રૂપાણી રહ્યા હાજર
રાજકોટ મહાનગરપાલિકા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે આંગણવાડી વર્કર બહેનોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્યપ્રધાન રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot