- વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા
- પોલીસે હિતેશ ઝાલા નામના શખ્સની ધરપકડ કરી છે
- વૃદ્ધા સાથે દુષ્કર્મ થયાની ઘટના થતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે
રાજકોટઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરના ચોથામાળે સારવાર લઈ રહેલા 60 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. વૃદ્ધા હોસ્પિટલમાં દાખલ હોવાથી તેને કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા એટેન્ડન્ટ હિતેશ ઝાલા નામના શખ્સે માથું દબાવી આપવાના બહાને શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઈને આ વૃદ્ધાએ પોતાના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. હાલ પોલીસે હિતેશ ઝાલા નામના શખ્સની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠામાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી
માથું દબાવાના બહાને આચર્યું દુષ્કર્મ
શહેરના રાજનગર ચોક નજીક આવેલા આવાસમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાની બુધવારે તબિયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. વૃદ્ધાનું ઓક્સિજન લેવલ સાવ ઓછું થઇ ગયાનું સારવારમાં જાણવા મળતા તેમને કોવિડ સેન્ટરના ચોથામાળે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં એટેન્ડન્ટ તેમની પાસે આવી, લાવો તમારું માથું દબાવી દઉં તેમ કરી માથું દબાવવાનું શરૂ કર્યું હતું. થોડી વાર બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કોઇ પ્રતિકાર કરી શક્યા ન હતા.
આ પણ વાંચોઃઅમદાવાદમાં પાડોશી યુવકે 12 વર્ષની સગીરા પર આચર્યું દુષ્કર્મ
પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં નોંધાઇ દુષ્કર્મની ફરિયાદ
શહેરના પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા વૃદ્ધાએ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કરતા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. વોર્ડમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા હિતેષ ઝાલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં વૃદ્ધા સાથે દુષ્કર્મ થયાની ઘટના સામે આવતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે.