ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં 5 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી - આજીડેમમાં 5 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી

રાજ્યમાં વરસાદ ખેંચાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તમામ ડેમોના પાણીના તળ નીચે ઉતરી ગયા છે. રાજકોટની વાત કરવામાં આવે તો શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં હાલ માત્ર 5 દિવસ ચાલે તેટલો જ પાણી જથ્થો બચ્યો છે. આથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, સૌની યોજાનાથી નર્મદાનું પાણી મળશે અને આ બાબતે મુખ્યપ્રધાનને પણ માંગણી કરવામાં આવી છે.

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં 5 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી
રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં 5 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી

By

Published : Aug 16, 2021, 8:20 PM IST

  • રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા ડેમોના તળ ખુટ્યા
  • સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની સ્થિતિ વિકટ બની
  • નર્મદાના નીર ઉપર આધાર રાખવો પડી શકે છે

રાજકોટ : રાજ્યમાં ચોમાસા સિઝનનો અત્યાર સુધી બહું જ ઓછો પડ્યો છે. આ ઉપરાંત, વરસાદ પાછો ખેંચાયો છે, ત્યારે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીની સ્થિતિ વિકટ બની છે. રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમમાં પણ આગામી 5 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી હોવાની વાત સામે આવી રહી છે, જ્યારે ન્યારી ડેમમાં ઓક્ટોબર અને ભાદર ડેમમાં નવેમ્બર સુધી ચાલે તેટલું જ પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. જેને લઇને ભરચોમાસે ફરી રાજકોટવાસીઓને આગામી દિવસોમાં પાણી કાપનો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

રાજકોટની જીવાદોરી સમાન આજીડેમમાં 5 દિવસ સુધી ચાલે તેટલું જ પાણી

દૈનિક 120 MCFT પાણીનું વિતરણ

રાજકોટમાં મુખ્ય આજી ડેમમાંથી સૌથી વધુ પાણીનો જથ્થો ઉપાડવામાં આવે છે. આ સિવાય ન્યારી અને ભાદર ડેમમાંથી પણ ક્યારેક પાણી લેવામાં આવતું હોય છે, ત્યારે હાલ રાજકોટ શહેરમાં દૈનિક 120 MCFT પાણીનો જથ્થો આજી ડેમમાંથી લેવામાં આવે છે. આજીડેમમાં આગામી 5 દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો વધ્યો છે. જેને લઇને મનપાએ વધુ એકવાર નર્મદાના નીર ઉપર આધાર રાખવો પડી શકે છે.

ગત માસમાં 300 MCFT નર્મદાનું નીર અપાયું હતું

ચોમાસા દરમિયાન વરસાદ પાછો ખેંચવાના કારણે સૌરાષ્ટ્ર સહિતના ડેમોમાં પાણીના જથ્થો ધીમે ધીમે ઘટી રહ્યો છે. એવામાં ગત માસમાં પણ આજી ડેમમાં પાણીની સપાટી તળિયે પહોંચી હતી. જેને લઇને રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને નર્મદાના નીર આપવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત માસ દરમિયાન 300 MCFT પાણીનો જથ્થો રાજકોટને આપવામાં આવ્યો હતો, જે હવે પૂર્ણતાના આરે છે.

રાજકોટમાં પાણીની સમસ્યા નહિ સર્જાય : પુષ્કર પટેલ

રાજકોટના આજી ડેમમાં આગામી 5 દિવસ સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો પડ્યો છે. જેને લઇને સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આગામી દિવસોમાં કોઈ પણ પાણીની સમસ્યા નહીં સર્જાય, જ્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટને સૌની યોજના મારફતે નર્મદાનાં નીર આપવાની ખાતરી આપી છે. જો પાણીની સમસ્યા થશે તો આપણે સરકાર પાસે નર્મદાના નીર માંગણી કરશું તેમજ રાજકોટવાસીઓને પાણીને લઇને ચિંતા કરવાની જરૂર નથી. અગાઉ પણ નર્મદાના નીર રાજકોટ માટે છોડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details