- 15મી ઓગસ્ટએ 10 હજારથી વધુ ગામોમાં ABVP કરશે ધ્વજવંદન
- સ્વરાજ 75 અભિયાન થકી આ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે
- અલગ-અલગ 100 જેટલા વિસ્તારોમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ
રાજકોટ: આગામી પંદરમી ઓગસ્ટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના સાત હજારથી વધુ ગામોમાં ધ્વજ વંદન કરવામાં આવશે. સ્વરાજ 75 (svraj 75) અભિયાન થકી આ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેનો મુખ્ય હેતુ રાજ્યના તમામ નાના ગામોમાં રાષ્ટ્રભક્તિ સાથે ઉમંગ અને ઉત્સાહના વાતાવરણ સર્જાય તે માટેનો છે. આ સાથે જ ભારતની સ્વતંત્રતા માટે જે લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. તેમને પણ યાદ કરવામાં આવશે. રાજકોટમાં પણ અલગ-અલગ 100 જેટલા વિસ્તારોમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
સ્વરાજ 75 અભિયાન હેઠળ યોજવામાં આવશે કાર્યક્રમ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આઝાદીનાં 75 વર્ષને લઈને સ્વરાજ 75 અભિયાન હાથ ધરવામાં આવનાર છે. આ અભિયાનને લઇને ગુજરાતના 10 હજાર કરતાં વધુ ગામોમાં રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. જેને લઇને ABVP દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં અંદાજીત 20 હજાર જેટલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જોડાશે. તેમજ ગુજરાતના છેવાડાના ગામો સુધી ધ્વજ વંદન કરવામાં આવશે.
વિસ્તારમાં જેને શ્રેષ્ઠ વ્યક્તિના હસ્તે ધ્વજવંદન
રાજકોટમાં પણ 100 જેટલા અલગ-અલગ વિસ્તારમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવશે. મુખ્યત્વે જે વિસ્તારમાં કોઈ દિવસ ધ્વજ વંદન કરવામાં આવ્યું નથી તેવા વિસ્તારોને પ્રથમ પસંદગી કરવામાં આવશે. તેમજ આ જ વિસ્તારમાં જેને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હશે અથવા કોરોના દરમિયાન શ્રેષ્ઠ કાર્ય કર્યું હશે તેવા, તેમજ સામાજિક કામગીરી કરતા હોય તેવા લોકોના હસ્તે આ ધ્વજ વંદન યોજવામાં આવશે, એટલે કે અલગ-અલગ વિસ્તારના શ્રેષ્ઠ વ્યક્તિઓ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવશે.