- રાજકોટમાં કોરોનાનો કહેર વધ્યો
- મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ
- CM રૂપાણીએ રાજકોટના વેપારીઓને અપીલ કરી
રાજકોટઃ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક માસથી રાજકોટમાં દરરોજ 100 કરતા વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં અલગ અલગ સંગઠન અને વેપારી એસોસિએશન દ્વારા શનિ અને રવિવાર એમ બે દિવસ સ્વૈચ્છિક બંધની જાહેરાત કરી છે. આમ બે દિવસ સ્વૈચ્છિક બંધને પગલે રાજકોટમાં કોરોના સંક્રમણની ચેન રોકી શકાશે.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ રાજકોટની સ્થિતિનો ખ્યાલ મેળવ્યો
ગઈકાલે શુક્રવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ રાજકોટની સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો. ત્યારબાદ CM રૂપાણીએ રાજકોટમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની વેપારીઓને અપીલ કરી હતી.
મોટાભાગની બજારો સ્વૈચ્છિક બંધ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગઈકાલે શુક્રવારે વેપારીઓ અને અલગ અલગ સંગઠનોને અપીલ કરવામાં આવી છે. જેમાં શનિ અને રવિવાર એમ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચેમ્બર ઓફ કોમર્સના નિર્ણયને રાજકોટમાં મોટાભાગના વેપારી એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ બજારો સ્વૈચ્છિક બંધ રાખવામાં આવનારી છે. જેમાં રાજકોટની સોની બજાર, જેમ્સ એન્ડ જવેલરી એટલે કે પેલેસ રોડ, પાન માવા એસોસિએશન, મશીન ટુલ્સ એસોસિએશન સહિતના વિવિધ વેપારી મંડળ દ્વારા શનિ અને રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.
આ પણ વાંચો :મહીસાગર જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માજુએ લુણાવાડા કોવિડ હોસ્પિટલની લીધી મુલાકાત