- રાજકોટમાં કોરોના રસી માટે સોસાયટીમાં કેન્દ્ર ઉભું કરાશે
- રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક નિર્ણય જાહેર કર્યો
- સોસાયટી ખાતે જ વેક્સિન કેન્દ્ર ખોલીને કોરોનાની વેક્સિન આપવામાં આવશે
રાજકોટઃ રાજકોટ શહેર અને જિલ્લાઓમાં વધુમાં વધુ લોકો કોરોના વેક્સિન લે તે માટે રાજકોટ મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ વધુ એક નિર્ણય જાહેર કર્યો છે. જેમાં 18થી 50 વર્ષની વયનાં જે લોકોને કોરોના વેક્સિન લેવી હોય તેમને સોસાયટી ખાતે જ વેક્સિન કેન્દ્ર ખોલીને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જેના માટે ઓછામાં ઓછા સો જેટલા લોકો વેક્સિન લેવા માટે તૈયાર હોવા જોઈએ. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સોસાયટી ખાતે જશે અને ત્યાં સ્થળ પર જ રજિસ્ટ્રેશની પ્રક્રિયા કરીને તેમને કોરોનાની વેક્સિન આપશે.
આ પણ વાંચો:વેક્સિનની ફાળવણી અંગે સવાલ - સરકારી આરોગ્ય કેન્દ્રમાં માત્ર 100 ડોઝ, તો ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનમાં પુરતો જથ્થો કેમ?
આરોગ્ય ટીમ દ્વારા સોસાયટીમાં ઉભું કરવામાં આવશે કેન્દ્ર
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા જે લોકો 18થી 50 વર્ષની વયની વચ્ચે આવતા હોય અને કોરોના વેક્સિન લેવી હોય તેવા એક જ સ્થળે 100 જેટલા લોકો વેક્સિન લેવા માટે તૈયાર હોય તો તેમને સોસાયટી ખાતે જઈને આરોગ્યની ટીમ દ્વારા વેક્સિન આપવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહીથી રાજકોટ શહેરમાં કોરોના વેક્સિન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થશે. જ્યારે હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિન લેનારા લોકોની સંખ્યા દૈનિક જોઈએ તેટલી જોવા નથી મળી. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના નિર્ણયથી મોટાભાગના વેક્સિન લેવા ઇચ્છુક વ્યક્તિઓને તાત્કાલિક કોરોનાની વેક્સિનનો લાભ મળશે.
ઘર આંગણે જ વેક્સિનઆપવામાં આવશે
રાજકોટમાં ઘર આંગણે વેક્સિન આપવામાં આવશે. આ પ્રકારની વાત સામે આવતા ETV bharat દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. પંકજ રાઠોડ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઘરઆંગણે એટલે કે જે વિસ્તારમાં હાલ કોરોનાની વેક્સિનનેશનનું પ્રમાણ ઓછું છે. તેવા વિસ્તારમાં 18થી50 વર્ષની વયના લોકો જે કોરોના વેક્સિન લેવા માટે ઇચ્છુક હોય અને તએ વિસ્તારમાં 100 જેટલા વેક્સિનનો લાભ લેનારની સંખ્યા હોય તો તેમના માટે આ સોસાયટીમાં જ એક અલગ વેક્સિનેશન કેન્દ્ર ઉભું કરવામાં આવશે. તેમજ આ વ્યક્તિઓનું તે સ્થળે જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને ત્યારબાદ તેમને વેક્સિન આપવામાં આવશે.
આ પણ વાંચો:સચિવાલયમાં વેક્સિનેશન સેન્ટર ફરી શરૂ કરવા માટે કર્મચારીઓએ સરકારને લખ્યો પત્ર
રાજકોટમાં દૈનિક વેક્સિનેશન ઘટ્યું હોવાથી મનપાનો નિર્ણય
રાજકોટમાં કોરોના વેક્સિન લેનારાનું પ્રમાણ દૈનિક ઘટયું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. હાલ દરરોજ 10 હજાર જેટલા લોકોનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે અગાઉ મોટાભાગના લોકોનું વેક્સિનેશન થતું હતું, પરંતુ દૈનિક વેક્સિનેશન ઘટતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં દૈનિક જો 20,000 જેટલા લોકોનું વેક્સિનેશન થાય તો પણ આગામી 15 દિવસ સુધી કોરોનાની વેક્સિન ચાલે તેટલા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.